છોટાઉદેપુર નજીક પીપલેજ ગામ અને સિંગલા ઘાટી પાસે સોમવારે સાંજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડતી ઇકો કાર અને બાઇક વચ્ચે થયેલી ટક્કરમાં કાર ચાલક સહિત ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં બાઇક પર સવાર બે વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. બાઇક સવારો અને કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.
મૃતકોની ઓળખ છોટાઉદેપુર તાલુકાના વજેપુર, ભૂમસવાડા અને રાયછા ગામના રહેવાસી તરીકે થઈ છે. આ ઘટનાથી ત્રણેય ગામોમાં શોકનો માહોલ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતની તપાસ શરૂ કરી છે. પોલીસ કયા સંજોગોમાં અકસ્માત થયો અને કોની બેદરકારી હતી તે દિશામાં તપાસ કરી રહી છે.