છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડો. રજનીબેન રાઠવાએ જીત મેળવી છે. તેમને 1,108 મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઈ રાઠવાને 356 મત અને આમ આદમી પાર્ટીના ડો. કૈલાસ રાઠવાને 326 મત મળ્યા છે.
આ જીત સાથે ભાજપે વોર્ડ-4ની બેઠક પોતાની પાસે જાળવી રાખી છે. ડો. રજનીબેન રાઠવાને કોંગ્રેસના ઉમેદવાર કરતાં 752 મત વધુ મળ્યા, જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરતાં તેમની સરસાઈ 782 મતની રહી.
આ બેઠક ભાજપના સભ્ય મંજુલાબેન કોલીનું સભ્યપદ રદ થતાં ખાલી પડી હતી. જાતિના દાખલા સંબંધિત વિવાદને પગલે તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણી યોજવી પડી હતી.
પરિણામ બાદ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના મતના તફાવત ઉપરાંત ભાજપના ઉમેદવારને મળેલા મત પણ ચર્ચાનો વિષય બન્યા છે. આ પેટાચૂંટણીના પરિણામની નગરપાલિકાના વ્યાપક રાજકીય સમીકરણો પર કેટલી અસર પડશે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે. હાલ પૂરતું ભાજપે વોર્ડ-4ની બેઠક જાળવી રાખી છે.