સત્ય. સાહસ. સંકલ્પ.

છોટાઉદેપુરના ચલામલીમાં દુકાનને આગ ચાંપી, CCTVમાં આરોપી કેદ

છોટાઉદેપુરના ચલામલીમાં દુકાનને આગ ચાંપી, CCTVમાં આરોપી કેદ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી ગામે 'શ્રી ગણેશ જનરલ સ્ટોર' નામની કરિયાણાની દુકાનમાં મોડી રાત્રે અજાણ્યા શખસે શટર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી હતી. આ ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં આરોપી સ્પષ્ટ દેખાય છે.

દુકાનદાર ભલાભાઈ તડવીએ જણાવ્યું કે, રાત્રે 11:00 થી 12:00 વાગ્યાના સુમારે તેમણે ફોન પર દુકાનનું સીસીટીવી લાઈવ જોયું ત્યારે ધુમાડો નીકળતો દેખાયો. તેમણે તરત જ પાડોશી અને દરજી કિરણભાઈને ફોન કરીને તપાસ કરવા વિનંતી કરી. કિરણભાઈએ સ્થળ પર જઈને જોયું તો દુકાનમાંથી જાડો ધુમાડો નીકળી રહ્યો હતો.

બનાવની જાણ થતાં જ ભલાભાઈ અને ગામલોકો દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં દુકાનનો ઘણો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. દુકાનદારના જણાવ્યા મુજબ, આ ઘટનામાં અંદાજે દોઢથી બે લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

સીસીટીવી ફૂટેજ ચેક કરતાં સત્ય સામે આવ્યું. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક અજાણ્યો શખસ દુકાન નજીક આવે છે, શટર પર અને દુકાનની અંદર પેટ્રોલ જેવો જ્વલનશીલ પદાર્થ છાંટે છે અને આગ ચાંપીને ઝડપથી નાસી જાય છે.

પ્રાથમિક અનુમાન મુજબ, આ કૃત્ય અંગત અદાવતના કારણે કરવામાં આવ્યું હોઈ શકે છે. દુકાનદારે સીસીટીવીના આધારે આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા અને તેને વહેલી તકે પકડી પાડવા પોલીસ તંત્રને માંગ કરી છે.