છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કૃષ્ણપુરા ગામની પ્રાથમિક શાળાનું વીજ કનેક્શન 24 વર્ષથી બાકી વીજ બિલને કારણે મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) દ્વારા કાપી નાખવામાં આવ્યું છે. આ કારણે છેલ્લા 15 દિવસથી ધોરણ 1થી 5ના આશરે 30 વિદ્યાર્થીઓ ગરમીમાં શાળાના ઓટલા પર બેસીને અભ્યાસ કરવા મજબૂર છે.
શાળાના આચાર્યના જણાવ્યા મુજબ, MGVCL નસવાડી દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ કે પૂર્વ જાણકારી આપ્યા વિના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું અને મીટર પણ લઈ જવામાં આવ્યું. શાળામાં ધોરણ 1થી 5માં કુલ 36 બાળકો અભ્યાસ કરે છે. આચાર્યએ જણાવ્યું કે, શાળાનું મીટર ભરાતું ન હોવાથી તેને રદ કરવામાં આવ્યું છે અને નવા મીટર માટે અરજી કરવી પડશે. તેમણે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરી આગળની કાર્યવાહી માટે રજૂઆત કરી છે.
આચાર્યએ સવાલ ઉઠાવ્યો છે કે, વીજ બિલ 2002થી બાકી હોવાનું કહેવાય છે. 24 વર્ષ સુધી MGVCLને કોઈ પ્રશ્ન ન થયો, પણ અત્યારે તાત્કાલિક કોઈપણ જાતની નોટિસ કે જાણકારી વગર મીટર કેમ લઈ જવામાં આવ્યું?
બીજી તરફ, MGVCL અધિકારીઓના જણાવ્યા મુજબ, શાળાનું વીજ કનેક્શન નર્મદા નિગમના એજ્યુકેટિવ એન્જિનિયરના નામે છે અને કનેક્શનનું નામ બદલવામાં આવ્યું નથી. નર્મદા નિગમ તરફથી બાકી રકમની ચૂકવણી ન થઈ હોવાથી કનેક્શન કાપવામાં આવ્યું છે.
છોટા ઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ (DEO) જણાવ્યું કે, માનવતાના ધોરણે સરકારી શાળાનું વીજ કનેક્શન કાપતા પહેલાં શાળાના આચાર્યને જાણ કરવી જોઈએ. રાજ્યની પ્રાથમિક શાળાઓના વીજ બિલની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવે છે, તેથી આ શાળાનું બાકી વીજ બિલ પણ સરકાર દ્વારા ભરવાની પ્રક્રિયા થવી જોઈએ.
હાલ સમગ્ર મામલે MGVCL અને શિક્ષણ વિભાગ તરફથી અલગ-અલગ જવાબો સામે આવી રહ્યા છે. એક તરફ 24 વર્ષથી બાકી વીજ બિલનો પ્રશ્ન છે, તો બીજી તરફ કનેક્શન કયા નામે છે અને બાકી વીજ બિલની જવાબદારી કોની છે તે મુદ્દે પ્રશ્નો ઊભા થયા છે. વર્ષોથી વીજ બિલ આવતું હોવા છતાં શાળાના જવાબદાર તંત્ર દ્વારા કનેક્શનના નામમાં ફેરફાર સહિતની બાબતોનું ધ્યાન કેમ ન અપાયું તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
બાળકોને ગરમીમાં ઓટલા પર બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે ત્યારે વીજ કનેક્શન તાત્કાલિક શરૂ થાય અને વિદ્યાર્થીઓને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ મળે તેવી માંગ ઉઠી રહી છે. હવે સવાલ એ છે કે 24 વર્ષથી બાકી રહેલા વીજ બિલની જવાબદારી કોણ લેશે? અને સરકારી તંત્રની પ્રક્રિયાત્મક ગૂંચવણ વચ્ચે ગરમીમાં ભણવા મજબૂર બનેલા નાના ભૂલકાઓને વીજળીની સુવિધા ક્યારે મળશે?