સત્ય. સાહસ. સંકલ્પ.

છોટા ઉદેપુરમાં વરસાદ વચ્ચે રસ્તાના ખાડા પૂરવાની કામગીરી પર સવાલ, વાહનચાલકો પરેશાન

છોટા ઉદેપુરમાં વરસાદ વચ્ચે રસ્તાના ખાડા પૂરવાની કામગીરી પર સવાલ, વાહનચાલકો પરેશાન

છોટા ઉદેપુરના નસવાડી-કવાંટ રોડની હાલત ખૂબ જ ખરાબ છે. રસ્તા પર ઠેકાણે ઠેકાણે મોટા ખાડા પડી ગયા છે અને વરસાદી પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને ભારે માલવાહક વાહનો આ ખરાબ રસ્તા પરથી પસાર થાય ત્યારે અકસ્માતનો ભય યથાવત્ રહે છે.

આ વચ્ચે, વરસતા વરસાદમાં નસવાડીથી કવાંટ રોડ પર ખાડા પૂરવા માટે ડામર પાથરવામાં આવી રહ્યો હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. રાજ્યના આર એન્ડ બી વિભાગ દ્વારા ટ્રક મારફતે કપચી અને ડામરથી ખાડા પૂરવામાં આવ્યા હતા. વરસતા વરસાદમાં આ કામગીરી કરવામાં આવતાં તેની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થયા છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, વરસાદમાં ખાડા પૂરવા માટે આ રીતે ડામર પાથરીને સરકારી નાણાંનો વ્યય કરવામાં આવી રહ્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, વરસાદ દરમિયાન કરવામાં આવેલી આ કામગીરીની ગુણવત્તાની જવાબદારી કોણ લેશે? સરકારી નિયમો અને માર્ગના કામ માટેની માર્ગદર્શિકાનું પાલન થઈ રહ્યું છે કે નહીં, તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.