છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન 3 આમ આદમી પાર્ટી (AAP)ના સભ્યોને કથિત રીતે ઉઠાવી જવાની ઘટના સામે આવી છે. આ મામલે AAPએ ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચ અને ગુજરાત રાજ્ય ચૂંટણી પંચને અરજી કરી છે. જેના પગલે વિકાસ કમિશનરની કચેરીએ તમામ 26 સભ્યો અને તાલુકા વિકાસ અધિકારી (TDO)ને 29 ઓક્ટોબર, 2026ના રોજ ગાંધીનગરમાં સુનાવણી માટે બોલાવ્યા છે.
છોટા ઉદેપુર તાલુકા પંચાયતની 26 બેઠકો પર સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં AAPના 13 અને ભાજપના 13 સભ્યો વિજેતા થયા હતા. રાજ્ય સરકારના આદેશ અનુસાર 23 મે, 2026ના રોજ પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે સામાન્ય સભા મળી હતી. TDOએ બંને પક્ષોના સભ્યોને એજન્ડા મોકલી હાજરી માટે જણાવ્યું હતું.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે AAPના 13 સભ્યો પોલિટેકનિક કોલેજ કેમ્પસથી તાલુકા પંચાયત તરફ પગપાળા જઈ રહ્યા હતા. જેમ જ તેઓ ગેટ પાસે પહોંચ્યા, તેમ AAPના ત્રણ સભ્યોને એક સ્કોર્પિયોમાં ઉઠાવી જવાની ઘટના બની, જેને લઈને ભારે હોબાળો મચ્યો હતો.
બાકીના AAP સભ્યોએ ચૂંટણી અધિકારી એવા TDOને ઘટનાની જાણ કરી રજૂઆત કરી, પરંતુ ચૂંટણી પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી. વિરોધમાં AAP સભ્યોએ ચૂંટણીમાં ભાગ ન લીધો, જેના કારણે ભાજપના ઉમેદવારોને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી.
AAPએ આ ચૂંટણી પ્રક્રિયાને ગેરકાયદે ગણાવીને માનવ અધિકાર પંચ, ચૂંટણી પંચ અને વિકાસ કમિશનર કચેરીમાં અરજી કરી, જેના આધારે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વિકાસ કમિશનરની કાયદા શાખાએ તમામ 26 સભ્યો અને TDOને 29 ઓક્ટોબર, 2026ના રોજ ગાંધીનગર ખાતે હાજર રહેવા નોટિસ આપી છે. સુનાવણીમાં ચૂંટણી પ્રક્રિયામાં અધિકારીઓની ભૂમિકા અંગે જવાબ માંગવામાં આવશે.
હાલ છોટા ઉદેપુર તાલુકા પંચાયતની કમાન ભાજપ પાસે છે, પરંતુ તપાસનું પરિણામ શું આવશે તે જોવાનું રહ્યું છે. આ ઘટના સ્થાનિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની છે.