સત્ય. સાહસ. સંકલ્પ.

છોટા ઉદેપુરના 50 ગામોમાં વીજ કાપ, તેજગઢમાં ખેડૂતોનું ધરણું

છોટા ઉદેપુરના 50 ગામોમાં વીજ કાપ, તેજગઢમાં ખેડૂતોનું ધરણું

છોટા ઉદેપુર તાલુકાના બોર્ડર વિલેજ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આશરે 50 ગામોના ખેડૂતો આજે (1 ઓક્ટોબર) તેજગઢ ખાતે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL)ના ડેપ્યુટી એન્જિનિયરની કચેરી બહાર એકત્ર થઈ ધરણા પર બેસી ગયા હતા. ખેડૂતોએ "વીજ પુરવઠો આપો" અને "મધ્ય ગુજરાત વીજ કંપની હાય હાય" જેવા સૂત્રોચ્ચાર કરીને વીજ પુરવઠો તાત્કાલિક શરૂ કરવાની માગ કરી હતી.

બોર્ડર વિલેજ વિસ્તારમાં અનેક ખેડૂતોએ ડાંગર, મકાઈ સહિતના પાકનું વાવેતર કર્યું છે. હાલ પાકને અંતિમ તબક્કે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. વરસાદ પણ અપેક્ષા મુજબ ન પડતાં ખેડૂતો સિંચાઈ માટે વીજળી પર આધાર રાખી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વીજ પુરવઠો નિયમિત ન મળતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ વીજ લાઈનમાં ખામી સર્જાયા બાદ વારંવાર MGVCLના કર્મચારીઓ અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં વીજ લાઈનનું સમારકામ સમયસર ન થતાં વીજ પુરવઠો પૂર્વવત થયો નથી.

વીજ પુરવઠો ખોરવાતા માત્ર ખેતી જ નહીં, પરંતુ ગામડાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા પર પણ અસર પડી રહી હોવાનું ખેડૂતોનું કહેવું છે. ગરમીના સમયમાં વીજળી વગર લોકોને પંખા વગર રહેવાની અને રાત્રિના સમયે અંધકારમાં જીવન પસાર કરવાની સ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતોનું કહેવું છે કે "વારંવાર રજૂઆત કરીને થાકી ગયા, હવે કચેરી બહાર બેસીને અમારી સમસ્યા સંભળાવવી પડી રહી છે."

ખેડૂતોએ સરકારના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી વીજળી આપવાના દાવા સામે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાની વાતો થાય છે, જ્યારે બીજી તરફ પાકને પાણી આપવા માટે જરૂરી વીજ પુરવઠો જ મળતો નથી. "સરકારના દાવા કાગળ પર છે કે જમીન પર?" એવો સવાલ ખેડૂતોએ ઉઠાવ્યો છે. હાલ મકાઈનો પાક તૈયાર થવાના આરે છે અને ડાંગરના પાકને પણ અંતિમ પાણીની જરૂરિયાત છે. આવા સમયે વીજ પુરવઠો બંધ રહેતાં પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વધી છે.

ખેડૂતોની મુખ્ય માગ છે કે વીજ લાઈનનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, નિયમિત વીજ પુરવઠો શરૂ કરવામાં આવે અને પાકને નુકસાન થાય તે પહેલાં સિંચાઈ માટે જરૂરી વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવે. જો વીજ પુરવઠાની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ખેડૂતોએ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે.