છોટા ઉદેપુર નગરપાલિકામાં ભાજપની સત્તામાં નવો વળાંક આવ્યો છે. નવા પ્રમુખની વરણી થયાના ગણતરીના કલાકોમાં જ પાર્ટીમાં આંતરિક જૂથવાદ સપાટી પર આવી ગયો છે. ઉપપ્રમુખ સહિત 17 સભ્યોએ બળવો પોકારીને ચીફ ઓફિસરને લેખિત પત્ર આપ્યો છે, જેમાં બહુમતી સભ્યોની મંજૂરી વગર વિકાસના બિલ પાસ ન કરવા અને કર્મચારીઓની ભરતી ન કરવા તાકીદ કરવામાં આવી છે. આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, નગરપાલિકાના પ્રમુખ તરીકે વોર્ડ નંબર 4ના ભાજપના વિજેતા ઉમેદવાર રજનીબહેન રાઠવાને જવાબદારી સોંપવામાં આવી હતી. જિલ્લા ભાજપ સંગઠન તેમને પ્રમુખ બનાવવા માંગતું હતું, પરંતુ પક્ષની અંદર જ બીજું જૂથ અન્યને પ્રમુખ બનાવવા ઈચ્છતું હતું, જેના કારણે આ વરણી સામે નારાજગી હતી. અગાઉ ઇન્ચાર્જ ઉપપ્રમુખ વહીવટ ચલાવતા હતા, પરંતુ 20 ઓક્ટોબરે નવા પ્રમુખની સત્તાવાર રચના થયાના માત્ર ત્રણ કલાકમાં ઉપપ્રમુખની આગેવાની હેઠળ 17 સભ્યોનું જૂથ મેદાને આવ્યું હતું.
ચીફ ઓફિસરને આપવામાં આવેલા પત્રમાં 17 સભ્યોએ સહીઓ કરીને સ્પષ્ટ જણાવ્યું છે કે નગરપાલિકાના વિકાસ કામોના નાણાકીય બિલ 17 સભ્યોની બહુમતીની મંજૂરી વગર પાસ કરવામાં ન આવે. ઉપરાંત, કોઈપણ નવા કર્મચારીની ભરતી પહેલાં પણ આ સભ્યોની મંજૂરી લેવી અનિવાર્ય છે.
આ બળવાખોર 17 સભ્યોમાં સમાજવાદી પાર્ટીના 6, ભાજપના 6, કોંગ્રેસના 1 અને અગાઉ ભાજપમાં જોડાયેલા 3 અપક્ષ સભ્યોનો સમાવેશ થાય છે. સત્તાધારી પક્ષના જ સભ્યો દ્વારા નવા પ્રમુખની સત્તા સામે આવી રજૂઆત કરવામાં આવતાં ભાજપ સંગઠનની મુશ્કેલીઓ વધી ગઈ છે.
છોટા ઉદેપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિકકુમાર બરજોડેએ જણાવ્યું કે હાલ નગરપાલિકામાં અંદાજે 8 કરોડ રૂપિયાના વિકાસ કામો ચાલી રહ્યા છે. 17 સભ્યોએ સહી કરેલો પત્ર આપ્યો છે અને બહુમતીના આંકડાને જોતાં વહીવટી નિયમો મુજબ સભ્યોની સંમતિ વગર કોઈપણ પેમેન્ટ થઈ શકે નહીં. પ્રમુખે પોતાની સત્તાનો અમલ કરવો હશે તો 17 સભ્યોની સહી સાથે પત્ર રજૂ કરવો પડશે.