સત્ય. સાહસ. સંકલ્પ.

પત્ની પતિને 'જાડિયો' કે 'કાળિયો' કહે તો છૂટાછેડા ન મળે: છત્તીસગઢ હાઈકોર્ટનો ચુકાદો

પત્ની પતિને 'જાડિયો' કે 'કાળિયો' કહે તો છૂટાછેડા ન મળે: છત્તીસગઢ હાઈકોર્ટનો ચુકાદો

છત્તીસગઢ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે પત્ની તેના પતિને 'જાડિયો' અથવા 'કાળિયો' કહે એટલા માત્રથી તેને ક્રૂરતા ગણી શકાય નહીં, અને તેના આધારે છૂટાછેડા આપી શકાય નહીં. કોર્ટે આ ટિપ્પણીને ક્રૂરતા ગણવાનો ઇનકાર કરીને એક પતિની છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી.

આ કેસમાં 28 વર્ષીય અક્ષ ઘોષે તેની પત્ની પૂજા સીટ સામે છૂટાછેડાની માંગ કરી હતી. બંનેના લગ્ન 2019માં થયા હતા. ઘોષનો આરોપ હતો કે લગ્ન બાદ બે-ત્રણ મહિના સાથે રહ્યા બાદ તેની પત્નીએ તેની સાથે ખરાબ વ્યવહાર કરવાનું શરૂ કરી દીધું હતું. તે વારંવાર ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને પિયર જતી રહેતી હતી. તેણે એવો પણ દાવો કર્યો કે તેની પત્નીએ એકવાર ઝઘડાને કારણે કસુવાવડ કરાવી નાખી હતી.

બીજી તરફ, પત્નીએ પોતાના પતિ પર ગંભીર આરોપો મૂક્યા હતા. પત્નીનો દાવો હતો કે તેનો પતિ બીજી સ્ત્રીઓ સાથે સંબંધમાં હતો અને દારૂ પીવાની આદત ધરાવતો હતો. આ ઉપરાંત, ગર્ભાવસ્થા દરમિયાન તેને યોગ્ય સારવાર આપવામાં આવી ન હતી, જેના કારણે તેની માતાએ તેને રાયગઢની હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. આ દરમિયાન તેની કસુવાવડ પણ થઈ ગઈ હતી. સાજી થયા બાદ પણ સાસરિયાંએ તેને પાછી ન બોલાવી, જેથી તેની માતાએ ફેબ્રુઆરી 2020માં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પત્નીએ ઘરેલુ હિંસા કાયદા હેઠળ પણ કેસ દાખલ કરાવ્યો હતો.

બંને પક્ષોને સાંભળ્યા બાદ, જસ્ટિસ પાર્થ પ્રતિમ સાહુ અને જસ્ટિસ સચિન સિંહ રાજપૂતની ડિવિઝન બેન્ચે ફેમિલી કોર્ટના ઓગસ્ટ 2024ના ચુકાદાને યથાવત રાખ્યો હતો. ફેમિલી કોર્ટે અગાઉ પણ ઘોષની છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી અને તેને પત્નીના પિયરથી મળેલા 'સ્ત્રીધન' એટલે કે ભેટ-સોગાદો પાછા આપવાનો આદેશ આપ્યો હતો.

હાઈકોર્ટે નોંધ્યું કે પતિ પોતાના આરોપો સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા રજૂ કરી શક્યો નથી. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે પત્ની વગર કારણે પિયરમાં રહેતી હોવાનું કે તેણે પતિને છોડી દેવાનો ઇરાદો ધરાવતી હોવાનું પણ સાબિત થયું નથી. આખરે કોર્ટે અરજી રદ કરી અને સ્ત્રીધન પરત કરવાનો આદેશ યથાવત રાખ્યો હતો.