ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા છત્રાલ GIDCમાં કોવિકા ડાયઝ એન્ડ ઈન્ટરમીડિયેટ નામની કેમિકલ કંપનીમાં બોઈલર ફાટવાની ઘટનામાં ચાર કામદારોના મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, કેમિકલ પ્લાન્ટની રિડક્શન વેસલ/બોઈલરની નોઝલમાં પ્રેશર અચાનક ક્ષમતાથી વધી ગયું હતું, જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો.
ઘટના સમયે ફેક્ટરીમાં શ્રમિકો પોતાની રોજિંદી કામગીરીમાં વ્યસ્ત હતા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે બોઈલર પાસે કામ કરી રહેલા ચાર કામદારો હવામાં ઉછળીને પ્લાન્ટની કઠોર રચનાઓ સાથે અથડાયા હતા. ગંભીર ઈજાઓના કારણે ચારેય કામદારોએ સ્થળ પર જ જીવ ગુમાવ્યા હતા. મૃતકોમાં વિનોદકુમાર સિંદ, ટેડા દેહરી, લભણ મીણા અને સિંકંદર દેહરીનો સમાવેશ થાય છે.
ઘટનાની જાણ થતાં જ કલોલ તાલુકા પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક પ્રાંત અધિકારી, મામલતદાર અને FSLની ટીમોએ અકસ્માતના કારણો જાણવા તપાસ શરૂ કરી છે.
કલોલ તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે. ગઢવીએ જણાવ્યું કે, કેમિકલ પ્લાન્ટની રિડક્શન વેસલમાં યાંત્રિક ખામી સર્જાવાને કારણે આ અકસ્માત થયો છે, જેમાં ચાર કર્મચારીઓના મૃત્યુ થયા છે. પ્રાથમિક તપાસમાં બોઈલરની વેસલમાં ઓવર પ્રેશર થવાથી દુર્ઘટના બની હોવાનું જણાય છે, પરંતુ ચોક્કસ કારણ FSL રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. તેમણે ઉમેર્યું કે, કંપની પાસે જરૂરી ફાયર એન.ઓ.સી. તથા અન્ય કાયદાકીય મંજૂરીઓ ઉપલબ્ધ હોવાની પ્રાથમિક માહિતી મળી છે, તેમ છતાં સુરક્ષા સંબંધિત તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.