છઠ પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે રેલવેની કામગીરીમાં મોટી ખામી સામે આવી છે. સુરત, મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાંથી બિહાર જઈ રહેલા શ્રમિકો અને પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો 24 થી 26 કલાક મોડી ચાલી રહી છે, જેના કારણે લાખો લોકો રઝળી પડ્યા છે. પટના જંક્શન પર ભારે ભીડ અને ધક્કામુક્કી જોવા મળી રહી છે. રેલવેની આ નીતિ સામે પ્રવાસીઓમાં રોષ છે.
લોક આસ્થાના મહાપર્વ 'છઠ'ની વિધિઓ શરૂ થવામાં ગણતરીના કલાકો બાકી છે, ત્યારે રેલવે તંત્રની નબળી વ્યવસ્થા ઉજાગર થઈ છે. ગુજરાતના હીરા-ટેક્સટાઇલ ઉદ્યોગનું કેન્દ્ર સુરત, આર્થિક રાજધાની મુંબઈ અને દિલ્હીથી પોતાના વતન બિહાર જઈ રહેલા શ્રમિકો અને પ્રવાસીઓની હાલત દયનીય છે.
રેલવે વિભાગના દાવાઓ વચ્ચે તંત્રની નબળી વ્યવસ્થાને કારણે ઉત્સવના માહોલમાં લાખો લોકો રઝળી પડ્યા છે. સુરત અને મુંબઈ સહિતના શહેરોમાંથી પટના આવતી ફેસ્ટિવલ સ્પેશિયલ અને પ્રીમિયમ ટ્રેનો 24 થી 26 કલાક સુધીના વિલંબથી દોડી રહી છે. જેના કારણે ઘર આંગણે પરિવાર સાથે પર્વ ઉજવવાની આશા રાખતા લોકોની ખુશીઓ પર પાણી ફરી વળ્યું છે.
રેલવે તંત્રના દાવા અને જમીની હકીકત વચ્ચેનો ફરક ટ્રેનોના વિલંબ પરથી સ્પષ્ટ થાય છે. પટના આવતી ટ્રેનોમાં 04052 હાવડા સ્પેશિયલ 25 કલાક 59 મિનિટ અને 04404 પટના જનસાધારણ ફેસ્ટિવલ સ્પેશિયલ 25 કલાક 54 મિનિટ મોડી ચાલી રહી છે.
આ ઉપરાંત આનંદ વિહારથી આવતી ભાગલપુર સ્પેશિયલ અને રાજેન્દ્રનગર ટર્મિનલ અમૃત ભારત એક્સપ્રેસ પણ લગભગ 24 કલાક મોડી છે. મુંબઈ CSMTથી આવતી પટના સુપરફાસ્ટ 9 કલાક અને મુંબઈ LTTથી આવતી ભાગલપુર સુપરફાસ્ટ 8 કલાકથી વધુ મોડી છે. સુરતથી પટના આવતી ભાગલપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ પણ અગાઉના સમય કરતાં લગભગ પોણા નવ કલાક મોડી દોડી રહી છે.
આ અતિશય વિલંબને કારણે પટના જંક્શન પર ભીડ અને અફડાતફડીનો માહોલ છે. જનરલ અને સ્લીપર કોચના દરવાજા પર ચઢવા માટે મુસાફરોમાં ધક્કામુક્કી અને મારામારી જેવી સ્થિતિ સર્જાઈ છે. નાના બાળકો અને વૃદ્ધો સાથે સફર કરતા પરિવારો સ્ટેશન પર કલાકો સુધી હેરાન થઈ રહ્યા છે. આગળની કનેક્ટિંગ ટ્રેન છૂટી જવાનો ડર પણ સતાવી રહ્યો છે. છઠ જેવા મહત્ત્વના તહેવાર ટાણે રેલવે વહીવટી તંત્રની આ નીતિ અને સુસ્ત કામગીરી સામે સામાન્ય જનતામાં ભારે રોષ છે.