સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ, જામનગર, વલસાડ સહિત ગુજરાતમાં છઠ પૂજાની ઉજવણી, નદી કિનારે હજારો ભક્તોએ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કર્યું

અમદાવાદ, જામનગર, વલસાડ સહિત ગુજરાતમાં છઠ પૂજાની ઉજવણી, નદી કિનારે હજારો ભક્તોએ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કર્યું

ગુજરાતમાં 15 નવેમ્બર, રવિવારે છઠ પૂજાનો પર્વ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો. અમદાવાદમાં સાબરમતી નદી કિનારે, જામનગરમાં બાલાજી પાર્ક સહિતના વિસ્તારોમાં અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ભારતીય શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ભક્તોએ પરંપરાગત વિધિ મુજબ છઠ મૈયા અને સૂર્યદેવની આરાધના કરી સાંજનું અર્ઘ્ય અર્પણ કર્યું હતું. આખો વિસ્તાર છઠ પૂજાના ગીતોથી ગુંજી ઉઠ્યો હતો.

અમદાવાદ: સુભાષ બ્રિજથી ઇન્દિરા બ્રિજ સુધી ભીડ

અમદાવાદમાં સુભાષ બ્રિજથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી સાબરમતી નદીના કિનારે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ભક્તોએ પરંપરાગત વિધિવિધાન દ્વારા છઠ મૈયા અને સૂર્યદેવની પૂજા કરી હતી. ઇન્દિરા બ્રિજ નીચે મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં જગ્યા ઓછી પડી હતી, જેને કારણે અમુક લોકો ભદ્રેશ્વર કિનારે પૂજન-અર્ચન કરતા જોવા મળ્યા હતા.

જામનગર: ઉત્તર ભારતીય પરિવારોમાં ભારે ઉત્સાહ

જામનગરના વોર્ડ નંબર 6માં આવેલા બાલાજી પાર્ક ઉપરાંત સેનાનગર અને રવિ પાર્ક વિસ્તારોમાં બિહારી સમાજની મોટી વસાહત છે. રોજગાર માટે પોતાના વતનથી દૂર જામનગરમાં સ્થાયી થયેલા આ પરિવારોએ પર્વને ભારે ઉત્સાહથી ઉજવ્યો હતો. વ્રતધારી બહેનો માટે આ વિસ્તારોમાં ખાસ પાણીના કુંડ બનાવવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 6ના બાલાજી પાર્ક વિસ્તારમાં સ્થાનિક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના લોકો સાથે પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને વ્રતધારી મહિલાઓ પરિવારજનો સાથે પૂજાની સામગ્રી, ફળફળાદિ અને પ્રસાદ લઈને કુંડ ખાતે પહોંચી હતી. પાણીમાં ઊભા રહીને તેમણે છઠ મૈયા અને ભગવાન સૂર્યદેવની વિધિવત પૂજા-અર્ચના કરી પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

દક્ષિણ ગુજરાત: વાપીમાં પોલીસ બંદોબસ્ત

વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં પણ લોકોએ ભારે આસ્થાપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. વાપીના દમણગંગા નદી કિનારે છઠ પૂજાના કાર્યક્રમ માટે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં લોકોએ પૂજાવિધિ કરી હતી.

આ ઉપરાંત વલસાડ, ધરમપુર, કપરાડા, ઉમરગામ અને પારડી તાલુકાની વિવિધ નદી કિનારે ઉત્તર ભારતીય સમાજના લોકો એકઠા થઈ ધાર્મિક સૂત્રોચ્ચાર સાથે ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. લોકોએ ઉપવાસ કરી ડૂબતા સૂર્યને શ્રદ્ધાપૂર્વક અર્ઘ્ય અર્પણ કર્યું હતું. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ઉત્તર ભારતીયોએ પરંપરાગત રીતે પર્વ ઉજવ્યો હતો.