સત્ય. સાહસ. સંકલ્પ.

ચેન્નઈ મેટ્રોના હેન્ડલ અને ટિકિટ મશીન પર એન્ટિબાયોટિક-પ્રતિરોધક જીન્સ, IIT મદ્રાસનો અભ્યાસ

ચેન્નઈ મેટ્રોના હેન્ડલ અને ટિકિટ મશીન પર એન્ટિબાયોટિક-પ્રતિરોધક જીન્સ, IIT મદ્રાસનો અભ્યાસ

જાહેર પરિવહનમાં લાખો લોકો રોજ સ્પર્શ કરતા હેન્ડલ, ટિકિટ મશીન અને કાઉન્ટર પર સૂક્ષ્મજીવો હોઈ શકે છે. IIT મદ્રાસના નવા અભ્યાસમાં ચેન્નઈ મેટ્રોની સપાટીઓ પર એન્ટિબાયોટિક-પ્રતિરોધક જીન્સ મળી આવ્યા છે. આ અભ્યાસ દેશની જાહેર પરિવહન વ્યવસ્થામાં આ પ્રકારનો પ્રથમ વ્યાપક અભ્યાસ હોવાનું જણાવાયું છે.

mSphere જર્નલમાં પ્રકાશિત આ સંશોધનમાં ટીમે ચેન્નઈ મેટ્રોની બ્લુ અને ગ્રીન લાઈન પરના 12 સ્ટેશનો અને ટ્રેનોમાંથી 96 નમૂના લીધા હતા. આ નમૂનાઓ મુસાફરો વારંવાર સ્પર્શ કરતી વસ્તુઓ જેવી કે હેન્ડ રેઇલ, ટિકિટ વેન્ડિંગ મશીન અને સ્ટેશન કાઉન્ટર પરથી લેવાયા હતા.

આમાંથી 41 નમૂનાનું વિગતવાર DNA વિશ્લેષણ કરાયું હતું. સંશોધકોને 80 ટકાથી વધુ નમૂનામાં એન્ટિબાયોટિક-પ્રતિરોધક જીન્સ મળ્યા. ટીમે આવા 72 પ્રકારના જીન્સ ઓળખ્યા છે. આ જીન્સ બેક્ટેરિયાને એન્ટિબાયોટિક સામે ટકી રહેવામાં મદદ કરે છે, જેનાથી ભવિષ્યમાં ચેપની સારવાર મુશ્કેલ બની શકે છે.

ચેન્નઈ મેટ્રોમાં વર્ષે 10.5 કરોડથી વધુ મુસાફરો મુસાફરી કરે છે, તેથી આ અભ્યાસને મહત્ત્વનો ગણવામાં આવે છે.

ટ્રેનના હેન્ડ રેઇલ કરતાં ટિકિટ વેન્ડિંગ મશીનો પર સૂક્ષ્મજીવોની વધુ વિવિધતા જોવા મળી. લગભગ 97 ટકા નમૂનામાં 30 જેટલી સૂક્ષ્મજીવ પ્રજાતિ મળી, જે સામાન્ય રીતે માટી, પાણી, હવા અને માનવ ત્વચા સાથે સંકળાયેલી હોય છે. નમૂનાઓમાં રિફામિસિન અને સલ્ફોનામાઇડ્સ જેવી એન્ટિબાયોટિક દવાઓ સામે પ્રતિકાર કરી શકે તેવા આનુવંશિક સંકેતો પણ હતા. રિફામિસિન વર્ગની દવાઓનો ઉપયોગ ક્ષય રોગ (TB) જેવી ગંભીર બીમારીની સારવારમાં થાય છે.

IIT મદ્રાસના ડેટા સાયન્સ અને AI વિભાગના પ્રોફેસર કાર્તિક રમણ સ્પષ્ટ કરે છે કે મેટ્રોની સપાટી પર આવા જીન્સ મળવાનો અર્થ એ નથી કે મુસાફરોને ચેપ લાગવાનું સીધું જોખમ છે. સંશોધકોએ માત્ર DNA વિશ્લેષણ કર્યું છે, જે એ બતાવી શકતું નથી કે બેક્ટેરિયા રોગ ફેલાવવા માટે સક્ષમ છે કે નહીં. આપણા રોજિંદા વાતાવરણમાં અને શરીર પર પણ ઘણા સૂક્ષ્મજીવો હોય છે, જેમાંથી મોટાભાગના હાનિકારક હોતા નથી. આ તારણો સ્વચ્છતા પ્રત્યે વધુ સાવચેત રહેવાની ચેતવણી છે.

ચિંતા માત્ર ચેન્નઈ પૂરતી સીમિત નથી. દિલ્હીના રેલવે સ્ટેશનો પર થયેલા અને 'સાયન્સ ઓફ ધ ટોટલ એન્વાયર્નમેન્ટ'માં પ્રકાશિત થયેલા અન્ય અભ્યાસમાં હવામાં ફેલાતા સૂક્ષ્મજીવોની તપાસ કરાઈ હતી. દિલ્હીના સંશોધનમાં સ્યુડોમોનાસ અને મોરેક્સેલા સહિતના બેક્ટેરિયા અને એન્ટિબાયોટિક-પ્રતિરોધક જીન્સ હવામાં તરતા જોવા મળ્યા હોવાનું જણાવાયું છે.