સત્ય. સાહસ. સંકલ્પ.

ચેન્નાઈમાં 13 લાખ ફોલોઅર્સ ધરાવતા ફાયનાન્સ ઇન્ફ્લુએન્સરનો આપઘાત, પિતાએ 3 કરોડની ખંડણીનો આરોપ મૂક્યો

ચેન્નાઈમાં 13 લાખ ફોલોઅર્સ ધરાવતા ફાયનાન્સ ઇન્ફ્લુએન્સરનો આપઘાત, પિતાએ 3 કરોડની ખંડણીનો આરોપ મૂક્યો

ચેન્નાઈ નજીક 27 વર્ષીય ફાયનાન્સ ઇન્ફ્લુએન્સર વી. હરીશનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. હરીશ ‘ફાયનાન્સ વિથ હરીશ’ નામનું ઇન્સ્ટાગ્રામ પેજ ચલાવતા હતા, જેના 13 લાખથી વધુ ફોલોઅર્સ હતા. તેઓ છેલ્લા પાંચ વર્ષથી રોકાણ અને ફાયનાન્સ અંગે વીડિયો બનાવતા હતા.

હરીશના પિતાએ કાનથુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ઝેમુરિયા ઇન્કના સીઈઓ જેસન સેમ્યુઅલ સામે ઓનલાઈન ઉત્પીડન, માનસિક ત્રાસ, ધમકી અને રૂ. 3 કરોડની ખંડણી માંગવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

પિતાના આરોપ મુજબ, સેમ્યુઅલે 18 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પર શ્રેણીબદ્ધ વીડિયો મૂકીને હરીશ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો અને તેમને જાહેરમાં અપમાનિત કર્યા હતા. આ વિવાદ બાદ મેટાએ હરીશનું મુખ્ય ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને નવું એકાઉન્ટ પણ બંધ કરી દીધું હતું. પિતાનો વધુ આરોપ છે કે સેમ્યુઅલે પુડુચેરીના મુખ્યમંત્રી અને ધારાસભ્યના નામની ધમકી આપી, પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપી અને હરીશ પાસેથી રૂ. 3 કરોડની માંગણી કરી.

મૃત્યુ પહેલાં હરીશે એક વીડિયોમાં પોતાની વેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમની પાંચ વર્ષની મહેનત છીનવી લેવામાં આવી છે. આવકવેરાના નામે જેલ મોકલવાની અને નાણાં પડાવવાની ધમકીઓ અપાઈ રહી હતી. હરીશે કોઈને આ રીતે બદનામ ન કરવાની અપીલ કરી હતી અને પોતાનો વીડિયો જાહેર કરવા વિનંતી કરી હતી. પરિવારે હવે આ વીડિયો, સોશિયલ મીડિયા સંદેશા અને મેટા દ્વારા એકાઉન્ટ બંધ કરવા પાછળના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરવા પોલીસને અરજી કરી છે.

બીજી તરફ, ઝેમુરિયાના સીઈઓ જેસન સેમ્યુઅલે એક્સ પર પોસ્ટ કરીને સાયબર બુલિંગના તમામ આરોપો નકારી કાઢ્યા છે. તેમણે હરીશના મૃત્યુ અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે તેમનો વિરોધ માત્ર ફાયનાન્સિયલ સલાહ આપવા માટે જરૂરી કાયદેસર લાયસન્સ સામે હતો. સેમ્યુઅલના દાવા મુજબ હરીશ પાસે સેબી માન્ય રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર (RIA)નું લાયસન્સ નહોતું અને મ્યુચ્યુઅલ ફંડનું AMFI રજિસ્ટ્રેશન પણ તાજેતરમાં જ મળ્યું હતું. તેમણે કાયદેસર લાયસન્સ મેળવીને કામ કરવાની સલાહ આપી હતી અને આ પ્રકારના પરિણામની કલ્પના નહોતી.

કાનથુર પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.