મધ્યપ્રદેશના શ્યોપુર વિસ્તારના જંગલમાંથી 19 મહિનાનો નર ચિત્તો KNG22 ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. 25 ઓક્ટોબરના રોજ શ્યોપુર ટેરિટોરિયલ ફોરેસ્ટ ડિવિઝનના કમ્પાર્ટમેન્ટ નંબર 748માંથી આ ચિત્તો મળ્યો હતો. તેને તાત્કાલિક રેસ્ક્યૂ કરીને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો.
પ્રધાન મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) ડૉ. સમીતા રાજોરાના જણાવ્યા અનુસાર, શરૂઆતના એક્સ-રે રિપોર્ટમાં ચિત્તાના શરીરમાં શંકાસ્પદ વસ્તુઓ હોવાનું સામે આવ્યું હતું. તબીબી નિષ્ણાતોની સલાહ લઈને ચિત્તાને જબલપુરની નાનાજી દેશમુખ પશુ ચિકિત્સા વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના સર્જરી અને રેડિયોલોજી વિભાગમાં મોકલવામાં આવ્યો હતો.
ત્યાં કરવામાં આવેલા સીટી સ્કેનમાં સ્પષ્ટ થયું કે ચિત્તાના શરીરમાં બંદૂકના છરા ઘૂસી જવાથી આંતરિક અંગો, સ્નાયુઓ, હાડકાં અને નર્વસ સિસ્ટમને ગંભીર નુકસાન થયું હતું. સ્થિતિ નાજુક હોવાથી ડૉક્ટરોએ તાબડતોબ ઈમરજન્સી સર્જરી હાથ ધરી અને શરીરમાંથી બંદૂકના પાંચ છરા બહાર કાઢ્યા. જોકે, ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન ચિત્તાનું મૃત્યુ થયું.
આ ઘટનાને પગલે રાજ્ય સરકારે વન વિભાગ અને પોલીસ અધિકારીઓની સંયુક્ત સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની રચના કરી છે. ચિત્તા પર ગોળી કોણે ચલાવી, કયા સંજોગોમાં ફાયરિંગ થયું અને આ શિકારનો પ્રયાસ હતો કે કેમ, તે તમામ બાબતોની તપાસ આ ટીમ કરશે. હાલ વન વિભાગ તરફથી કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે આરોપીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
વન વિભાગના સત્તાવાર નિવેદન મુજબ, KNG22ના મોત બાદ ભારતમાં ચિત્તાઓની કુલ સંખ્યા ઘટીને 58 થઈ ગઈ છે. હાલ દેશમાં બચેલા ચિત્તાઓ પૈકી 52 ચિત્તા કૂનો નેશનલ પાર્કમાં, 4 ગાંધી સાગર વન્યજીવ અભયારણ્યમાં અને 2 વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વમાં વસવાટ કરી રહ્યા છે.