અમેરિકાની સંસ્થા 'કોમન સેન્સ મીડિયા'એ ચેટજીપીટીના કિશોરોના ઉપયોગ અંગે એક અભ્યાસ હાથ ધર્યો છે. અભ્યાસનું નિષ્કર્ષ છે કે જ્યાં સુધી ચેટજીપીટીની ખામીઓ દૂર ન થાય, ત્યાં સુધી ૧૮ વર્ષથી નીચેની ઉંમરના લોકો માટે તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
આજે ઘણા લોકો રોજિંદા કામ માટે ચેટજીપીટી, જેમિનાઈ, ક્લોડ જેવા એઆઈ ચેટબોટનો ઉપયોગ કરે છે. આપણાં બાળકો પણ આ કરે છે, કદાચ મોટેરાંઓ કરતાં વધુ. પણ મોટેરાં અને બાળકો વચ્ચે એક મોટો ફરક છે. મોટેરાં પાસે વર્ષોનો અનુભવ છે અને દુનિયાને સમજવાની સમજ છે. બાળકોની ઉંમર કાચી છે. તેઓ અસલી દુનિયા બરાબર સમજે તે પહેલાં વર્ચ્યુઅલ દુનિયામાં પ્રવેશી જાય છે.
બીજી બાજુ, એઆઈ પાસે મેમરીની સુવિધા છે, એટલે તે જે વ્યક્તિ સાથે વાત કરે તેના વિશે ઘણું યાદ રાખે છે. એઆઈ ચેટબોટને એટલી સારી રીતે તાલીમ આપવામાં આવી છે કે તેની સાથે વાત કરતાં જીવંત વ્યક્તિ સાથે વાત કર્યાનો અનુભવ થાય.
જોખમ અહીં છે. બાળકો અને કિશોરો ચેટબોટને 'અસલી' માની લે છે. માતા-પિતા સાથે જે વાત કરતાં તેઓ અચકાય, એ વાત ચેટબોટ સાથે નિર્ભયતાથી કરે છે. ચેટબોટ તેમને કોઈ રીતે ન્યાય નહીં કરે, એ વાતે પણ તેઓ નિશ્ચિંત હોય છે.
પરંતુ એઆઈ કંપનીઓ પોતે કબૂલે છે તેમ ચેટબોટ સંપૂર્ણ નથી. તે ભૂલો કરી શકે છે. ખાસ કરીને બાળકો કે કિશોરો સાથેની વાતચીતમાં તે એવી ભૂલો કરી શકે છે, જેની અસર એઆઈ પર નહીં, પણ આપણા સંતાન પર પડે.
ચેટજીપીટીએ ઓગસ્ટમાં કિશોરોના ઉપયોગ અંગે કેટલાંક પગલાં જાહેર કર્યાં હતાં. એ પગલાં કેટલાં અસરકારક છે તે તપાસવા આ અભ્યાસ કરાયો. 'કોમન સેન્સ મીડિયા' આજના ડિજિટલ યુગમાં બાળકોની સલામતી માટે કામ કરે છે. અભ્યાસ માટે ૧૩થી ૧૭ વર્ષની ઉંમરના નોંધાયેલા યુઝરોના એકાઉન્ટનો ઉપયોગ કરાયો, જે મોટી ઉંમરના નિષ્ણાતોએ ચલાવ્યાં.
અભ્યાસ ભલે અમેરિકામાં થયો, પણ વાત આપણાં બાળકોને લગતી છે.
તમને યાદ હોય તો, થોડા સમય પહેલાં અમેરિકામાં એઆઈ ચેટબોટની મદદથી આત્મહત્યા કરનારા એક કિશોરના માતા-પિતાની વ્યથાની વાત અમે વિગતવાર કરી હતી. એ કિશોરના માતા-પિતા એઆઈ સામે અમેરિકાની અદાલતમાં ગયા હતા. તેમણે કહ્યું હતું કે તેમણે પોતાનો દીકરો ગુમાવ્યો, પણ હવે કાચી ઉંમરના યુઝરો જાતને નુકસાન પહોંચાડે એવી કે આત્મહત્યા તરફ દોરી જાય એવી વાતચીત કરે ત્યારે એ અટકી જાય એવી વ્યવસ્થા એઆઈમાં હોવી જોઈએ.
આ પ્રકારના બીજા કિસ્સા નોંધાયા પછી ચેટજીપીટી તથા અન્ય એઆઈમાં પેરેન્ટલ કંટ્રોલ આવ્યા. ઓપનએઆઈએ આત્મહત્યા તરફ દોરી જતી વાતચીત અટકાવવાનાં પગલાં પણ લીધાં. ખાસ કરીને કોઈ બાળક કે કિશોર ચેટજીપીટી સાથે આવી વાતચીત કરે તો ચેટજીપીટી માતા-પિતાનું ધ્યાન દોરે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
નિષ્ણાતો કહે છે કે આવાં પગલાં પૂરતાં નથી. માતા-પિતાએ પણ બાળકોની ઓનલાઈન પ્રવૃત્તિ પર નજર રાખવી જોઈએ અને તેમની સાથે ખુલ્લી વાત કરવી જોઈએ.