સત્ય. સાહસ. સંકલ્પ.

ચાર ધામ યાત્રામાં 50 લાખથી વધુ ભક્તો, બદ્રીનાથમાં સૌથી વધુ દર્શન

ચાર ધામ યાત્રામાં 50 લાખથી વધુ ભક્તો, બદ્રીનાથમાં સૌથી વધુ દર્શન

ઉત્તરાખંડની ચાર ધામ યાત્રામાં આ વર્ષે ભક્તોની સંખ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. રાજ્યના પર્યટન વિભાગના આંકડા મુજબ, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને હેમકુંડ સાહિબ મળીને અત્યાર સુધીમાં 50.14 લાખથી વધુ યાત્રાળુઓએ દર્શન કર્યા છે. 15 સપ્ટેમ્બરથી યાત્રાનો બીજો તબક્કો શરૂ થવાનો છે, તે પહેલાં જ આ આંકડો સામે આવ્યો છે.

સરકારને આશા છે કે નવેમ્બરમાં યાત્રા પૂરી થાય ત્યાં સુધીમાં ભક્તોની સંખ્યા 60 લાખની નજીક પહોંચી શકે છે.

ચાર ધામમાંથી સૌથી વધુ ભક્તો બદ્રીનાથ ધામમાં પહોંચ્યા છે. અત્યાર સુધીમાં 17,22,908 યાત્રાળુઓએ બદ્રીનાથમાં ભગવાન બદ્રીનાથના દર્શન કર્યા છે. બીજા ક્રમે કેદારનાથ ધામ રહ્યું છે, જ્યાં 14,92,047 ભક્તોએ પૂજા-અર્ચના કરી છે. બંને મુખ્ય ધામોમાં યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

અન્ય બે ધામોમાં પણ શ્રદ્ધાળુઓનો પ્રવાહ સતત ચાલુ છે. ગંગોત્રી ધામમાં 7,81,705 યાત્રાળુઓ પહોંચ્યા છે, અને યમુનોત્રીમાં પણ ભક્તો આવી રહ્યા છે. ચારેય ધામોમાં યાત્રિકોની સંખ્યા સતત વધતાં ઉત્તરાખંડના ધાર્મિક પર્યટનને પણ વેગ મળ્યો છે.

હેમકુંડ સાહિબમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ભીડ જોવા મળી છે. 3,17,430થી વધુ શીખ યાત્રાળુઓએ હેમકુંડ સાહિબમાં નમન કર્યું છે. આ અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા હોવાનું કહેવાય છે. ચોમાસું બાદ થતાં યાત્રામાં વધુ વેગ આવે તેવી ધારણા છે, જેથી હેમકુંડ સાહિબમાં પણ ભક્તોની સંખ્યા વધી શકે છે.

ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે, તેથી 15 સપ્ટેમ્બરથી શરૂ થતા યાત્રાના બીજા તબક્કામાં યાત્રિકોની સંખ્યા ઘણી વધવાની શક્યતા છે. હવામાન અનુકૂળ રહે તો દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડના પહાડી વિસ્તારો તરફ રવાના થઈ શકે છે. યાત્રિકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર સામે ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, રહેવાની સુવિધા અને માર્ગો ખુલ્લા રાખવાનો પડકાર પણ વધશે.

ઋષિકેશથી બદ્રીનાથ અને કેદારનાથ તરફ જતા માર્ગો પર અનેક સ્થળો ભૂસ્ખલનની દૃષ્ટિએ સંવેદનશીલ છે. બદ્રીનાથ હાઈવે પર કામેડા, પાર્થદીપ, મૈથાના, બાંજપુર, બિરાહી, ભાનરપાની અને હાથી પહાડ જેવા વિસ્તારો સંવેદનશીલ ગણાય છે. વરસાદ દરમિયાન આ વિસ્તારોમાં કાટમાળ અને પથ્થરો રસ્તા પર પડવાથી વાહનવ્યવહાર ખોરવાઈ શકે છે. યાત્રાના બીજા તબક્કામાં ભક્તોની સંખ્યા વધે તે પહેલાં માર્ગ વ્યવસ્થા જાળવવી સરકાર માટે મહત્વની બની રહેશે.

જાહેર બાંધકામ વિભાગે સક્રિય ભૂસ્ખલનવાળા વિસ્તારોમાં કાટમાળ હટાવવાની અને કામચલાઉ સમારકામની કામગીરી શરૂ કરી છે. વહીવટીતંત્રનો પ્રયાસ છે કે મુખ્ય માર્ગો પર કોઈ મોટો અવરોધ ન સર્જાય અને યાત્રાળુઓને ઓછામાં ઓછી મુશ્કેલી પડે.

15 સપ્ટેમ્બર બાદ યાત્રિકોની સંખ્યા વધવાની ધારણાને પગલે સરકાર અને સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર છે. હવામાન અનુકૂળ રહે અને માર્ગો સુચારુ રહે તો આ વર્ષની ચાર ધામ યાત્રા યાત્રિકોની સંખ્યાની દૃષ્ટિએ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ બનાવી શકે છે.