અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) અને ચાંગોદર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પ્રતિબંધિત કોડેઈન યુક્ત નશાકારક કફ સિરપની કુલ 600 બોટલ જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસને મળેલી બાતમીના આધારે આ દરોડો કરવામાં આવ્યો હતો. આ જથ્થો એક કારમાં હેરાફેરી થઈ રહ્યો હતો તે વેળાએ જ પોલીસે તેને ઝડપી પાડ્યો. કાર્યવાહી દરમિયાન નશાકારક કફ સિરપની બોટલો ઉપરાંત ગુનામાં વપરાયેલી એક કાર અને ચાર મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે. આમ મળીને કુલ રૂ. 3,19,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા શખ્સો આ નશાકારક જથ્થો ગેરકાયદે રીતે ઊંચા ભાવે વેચાણ માટે લાવ્યા હતા.
આ મામલે પોલીસે અરબાઝખાન અયુબખાન પઠાણ (રહે. ધોળકા), રમઝાનશા કરીમશા ફકીર (રહે. ધોળકા) અને કિરણ ચૌહાણ (રહે. ડરણ ગામ, સાણંદ)ની ધરપકડ કરી છે.
પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં NDPS (નારકોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કફ સિરપનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો, તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.