સત્ય. સાહસ. સંકલ્પ.

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનનો કાર્યકાળ 2032 સુધી લંબાવાયો, નોએલ ટાટા સાથે મતભેદો વચ્ચે બોર્ડનો નિર્ણય

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનનો કાર્યકાળ 2032 સુધી લંબાવાયો, નોએલ ટાટા સાથે મતભેદો વચ્ચે બોર્ડનો નિર્ણય

ટાટા સન્સ લિમિટેડના બોર્ડે ગુરુવારે એન. ચંદ્રશેખરનનો કાર્યકાળ આગામી પાંચ વર્ષ માટે લંબાવવાની મંજૂરી આપી છે. આ સાથે તેઓ 2032 સુધી ટાટા સન્સના ચેરમેન રહેશે. હાલમાં તેઓ બીજા કાર્યકાળમાં છે, જે ફેબ્રુઆરી 2027માં પૂરો થવાનો હતો.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને 12 ઓગસ્ટ 2026ના રોજ ચંદ્રશેખરને રાજીનામું આપી દીધું હતું. તે સમયે નોએલ ટાટા સાથેના મતભેદો અને ટ્રસ્ટમાં ચાલી રહેલી ખેંચતાણને કારણે તેમણે આ પગલું ભર્યું હતું. બોર્ડના નવા નિર્ણય બાદ હવે તેઓ પોતાના પદ પર ચાલુ રહેશે.

આ નિર્ણય ટાટા ગ્રુપના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના છે, કારણ કે પહેલીવાર કોઈ ગ્રુપ એક્ઝિક્યુટિવ નિર્ધારિત નિવૃત્તિ વયથી આગળ પોતાના પદ પર કાયમ રહેશે. ટાટા ગ્રુપની નીતિ મુજબ એક્ઝિક્યુટિવ સામાન્ય રીતે 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે, પરંતુ નોન-એક્ઝિક્યુટિવ ભૂમિકામાં 70 વર્ષ સુધી ચાલુ રાખી શકે છે. ચંદ્રશેખરન હાલ 63 વર્ષના છે. ફેબ્રુઆરી 2027માં તેઓ 65 વર્ષના થશે, અને નવા કાર્યકાળ સાથે 2032માં 70 વર્ષની ઉંમરે નિવૃત્ત થશે.

ચંદ્રશેખરનની કારકિર્દીની શરૂઆત 1987માં ટીસીએસમાં ઇન્ટર્ન તરીકે થઈ હતી. ઓક્ટોબર 2016માં તેઓ ટાટા સન્સના બોર્ડમાં જોડાયા અને ચાર મહિના બાદ જાન્યુઆરી 2017માં તેમને ચેરમેન બનાવવામાં આવ્યા. તેમના નેતૃત્વમાં ટાટા ગ્રુપે એવિએશન, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, બેટરી અને ડિજિટલ બિઝનેસ જેવા નવા ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો.

નાણાકીય આંકડા દર્શાવે છે કે, ગ્રુપની આવક નાણાકીય વર્ષ 2020માં ₹7.89 લાખ કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2026માં વધીને ₹16.24 લાખ કરોડ થઈ. નફો ₹32,000 કરોડથી વધીને ₹1.71 લાખ કરોડ થયો. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 2020ના ₹9.31 લાખ કરોડથી વધીને 2026માં ₹24.39 લાખ કરોડ થયું.

ટાટા ગ્રુપ, ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ્સ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. ટાટા ગ્રુપમાં ટાટા નામથી ચાલતી વિવિધ કંપનીઓ અને વ્યવસાયોનો સમાવેશ થાય છે, જેમ કે ટીસીએસ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાટા પાવર અને એર ઇન્ડિયા. ટાટા સન્સ એ ગ્રુપની મુખ્ય કંપની છે, જે મોટી કંપનીઓમાં હિસ્સો ધરાવે છે અને મહત્વના નિર્ણયો લે છે. ટાટા ટ્રસ્ટ્સ સામાજિક અને પરોપકારી કાર્યો કરતા ટ્રસ્ટોનું સમૂહ છે, જેની પાસે ટાટા સન્સનો આશરે 66% હિસ્સો છે.