અમદાવાદ: ચંડોળા તળાવ પાસેના ડિમોલેશનને કારણે દોઢ વર્ષથી વૈકલ્પિક આવાસની રાહ જોઈ રહેલા પરિવારોએ બુધવારે (18 નવેમ્બર) અનોખા વિરોધનોંધાવ્યો હતો. દાણીલીમડાના કોંગ્રેસી કોર્પોરેટર અને કોર્પોરેશનના પૂર્વ વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણની આગેવાનીમાં અસરગ્રસ્ત પરિવારો ગાદલા-ગોદડા સહિત ઘરવખરીનો સામાન લઈને મણિનગર સ્થિત દક્ષિણ ઝોન કચેરીએ પહોંચ્યા હતા. તેમણે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં જ પથારી પાથરીને સૂઈ જઈને વિરોધ કર્યો હતો.
આશરે દોઢ કલાક સુધી ચાલેલા આ વિરોધ બાદ અધિકારીઓએ બે પુરાવા ધરાવતા પાત્ર અસરગ્રસ્તો માટે આગામી 15 દિવસમાં મકાનોના બાંધકામ માટે ટેન્ડર બહાર પાડવાની ખાતરી આપી હતી. ત્યારબાદ અસરગ્રસ્તોએ વિરોધ સમેટી લીધો હતો.
વિરોધ દરમિયાન કોંગ્રેસી કોર્પોરેટર શેહઝાદ ખાન પઠાણે મ્યુનિસિપલ કમિશનર અને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, તાજેતરમાં કમિશનર ચંડોળા તળાવ ખાતે વિકાસ કાર્યો જોવા આવ્યા હતા, પરંતુ વાસ્તવમાં આ વિકાસ નહીં પરંતુ ગરીબો પરનો 'વિનાશ' છે. દોઢ વર્ષ પહેલાં ગરીબોને બાંગ્લાદેશી ગણાવીને તેમના વસવાટો તોડી પાડવામાં આવ્યા હતા. જે લોકોના મકાનો તૂટ્યા હતા તેમને વૈકલ્પિક આવાસ આપવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પણ પસાર થયો હતો. મકાનો ફાળવવા માટે તંત્ર દ્વારા ફોર્મ ભરાવવામાં આવ્યા હતા, જેમાં 2000થી વધુ લોકોએ નિયમ મુજબ ફોર્મ ભરીને ડિમાન્ડ ડ્રાફ્ટ પણ જમા કરાવ્યા હતા. તેમ છતાં આજદિન સુધી એક પણ વ્યક્તિને મકાન ફાળવવામાં આવ્યું નથી.
અન્ય વિસ્તારોમાં પાંચ-છ મહિના પહેલાં મકાન તોડ્યા હોય તેમને આવાસ મળી ગયા છે, પરંતુ ભાજપના ઈશારે ચંડોળા તળાવના ગરીબો સાથે અન્યાય થઈ રહ્યો છે. તંત્રને આડેહાથ લેતા પૂર્વ વિપક્ષ નેતાએ ચીમકી આપી હતી કે, અધિકારીઓને અવારનવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. આજે અમે માત્ર દક્ષિણ ઝોનના એક અધિકારીની ઓફિસમાં ગાદલા પાથરીને બેઠા છીએ, પરંતુ જો વહેલી તકે મકાનો નહીં ફાળવાય તો મ્યુનિસિપલ કમિશનરના નિવાસ્થાને જઈને રહેવાની ફરજ પડશે, કારણ કે ગરીબોને છત આપવાની મુખ્ય જવાબદારી તેમની છે.
અસરગ્રસ્તો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં પથારી પાથરીને સૂઈ જતાં અધિકારીઓએ તેમની સાથે વાતચીત કરી હતી. દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અસરગ્રસ્તોને મળવા પહોંચ્યા હતા. તેમણે બે પુરાવા ધરાવતા પાત્ર અસરગ્રસ્ત પરિવારો માટે મકાનોના બાંધકામની પ્રક્રિયા આગળ વધારવાની ખાતરી આપી હતી. આગામી 15 દિવસમાં મકાનોના બાંધકામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ અસરગ્રસ્તોએ પોતાનો વિરોધ સમેટ્યો હતો.