અમદાવાદમાં ચંડોળા તળાવના વિસ્થાપિતો માટે આવાસ ફાળવણીના મુદ્દે વિરોધ ફરી વકર્યો છે. AMC – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા અને દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણના નેતૃત્વમાં બુધવારે (3 સપ્ટેમ્બર) સવારથી મોટી સંખ્યામાં વિસ્થાપિતો સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે એકઠા થયા હતા. તેઓએ પુનર્વસનની માગ સાથે ધરણો આપ્યો અને કમિશનર કચેરી સામે ઉગ્ર દેખાવો કર્યા હતા.
યાદ અપાવીએ કે, ચંડોળા તળાવ વિસ્તારમાં કરાયેલા મોટા પાયે તોડફોડ બાદ લાયકાત ધરાવતા પરિવારો માટે આવાસ આપવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. ત્યારે પુરાવાના આધારે મકાન આપવા માટે ફોર્મ પણ ભરાવવામાં આવ્યા હતા. પરંતુ છ મહિનાથી વધુ સમય વીતી જવા છતાં મનપા (AMC) તરફથી આવાસ ફાળવણી માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આ જ કારણે આજે વિસ્થાપિતોએ કમિશનર કચેરી બહાર ઘેરાવ કરીને ધરણો આપ્યો હતો.
આ અંગે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું કે, “આ ગરીબ લોકો વર્ષોથી અહીં વસવાટ કરી રહ્યા હતા. સરકારે કેટલીક છૂટછાટ આપીને આવાસ ફાળવવા જોઈએ. આ લોકો પાસે ભાડું ભરવાની અથવા હપ્તા ભરવાની ક્ષમતા નથી.” તેમણે વધુમાં જણાવ્યું કે, જો મનપા કમિશનર કે કોર્પોરેશન તરફથી યોગ્ય પગલાં નહીં લેવાય, તો આવતા મહિને તમામ વિસ્થાપિતો પોતાનો સામાન લઈને કમિશનરના નિવાસસ્થાને રહેવા જશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચંડોળા તળાવના વિસ્થાપિતો માટે AMC દ્વારા લાભાર્થીઓ પાસે ઓછામાં ઓછા ત્રણ પુરાવા માંગવામાં આવ્યા છે. આમાંથી 944 જેટલા લાભાર્થીઓ પાસે એક પણ પુરાવો નથી, 874 પરિવારો માત્ર એક પુરાવો ધરાવે છે, જ્યારે 413 પરિવારો પાસે બે પુરાવા છે. નિયમ મુજબ, સરકારી આવાસનો લાભ મેળવવા માટે ત્રણ પુરાવા હોવા જરૂરી છે. આવી સ્થિતિમાં માત્ર નજીવા પરિવારો જ આવાસ મેળવી શકે તેમ છે, જેને લઈને વિરોધ થઈ રહ્યો છે.
શહેઝાદ ખાન પઠાણે આવાસ ફાળવણીમાં ગેરરીતિનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, “ગરીબોને તેમના હક્ક નથી મળી રહ્યા. ખાનગી બિલ્ડરો હાઉસિંગ વિભાગ સાથે મળીને કરોડો રૂપિયાની કથિત ગેરરીતિ કરી રહ્યા છે.” આ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.