સત્ય. સાહસ. સંકલ્પ.

ચંડોળા ડેવલપમેન્ટમાં વિલંબ: દોઢ વર્ષથી મકાન નહીં, કમિશનરે સ્થળ મુલાકાત લીધી

ચંડોળા ડેવલપમેન્ટમાં વિલંબ: દોઢ વર્ષથી મકાન નહીં, કમિશનરે સ્થળ મુલાકાત લીધી

અમદાવાદના ચંડોળા તળાવ વિકાસ પ્રોજેક્ટમાં છ મહિનાનો વિલંબ થયો છે. દોઢ વર્ષ પહેલાં દબાણો દૂર કરવામાં આવ્યાં હોવા છતાં અસરગ્રસ્ત પરિવારોને હજુ સુધી મકાન મળ્યાં નથી. આ સ્થિતિમાં મ્યુનિસિપલ કમિશનરે ચંડોળા ડેવલપમેન્ટ સાઇટની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને ઝડપી કામગીરી પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.

હાલ પ્રોજેક્ટના ફેઝ-1નું 70 ટકા કામ પૂર્ણ થયું છે. માર્ચ 2027 સુધીમાં આખો પ્રોજેક્ટ પૂરો કરવાનું આયોજન છે. અસરગ્રસ્ત પરિવારોને શેલ્ટર હોમમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે અને તેમના બાળકોને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓમાં પ્રવેશ અપાવવામાં આવશે.

મહત્વનું છે કે ગત 3 સપ્ટેમ્બરના રોજ ચંડોળા તળાવના 200થી વધુ અસરગ્રસ્ત લોકોએ સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે ઘેરાવ કર્યો હતો. તેમણે દર મહિને 10,000 રૂપિયા ભાડું અને તાત્કાલિક મકાન આપવાની માંગ કરી હતી. કમિશનર ન મળતાં લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. વિરોધની જાણ થતાં કમિશનરે સ્થળની મુલાકાત લઈને હાજર અધિકારીઓ પાસેથી ચાલી રહેલા કામની વિગતો મેળવી હતી અને સમયમર્યાદામાં કામ પૂરું કરવા સૂચનાઓ આપી હતી. તેમણે આસપાસના વિસ્તારોમાં દબાણો અને ત્યાં રહેતા પરિવારો સાથે સંવાદ પણ કર્યો હતો.

અસરગ્રસ્ત પરિવારોને કોર્પોરેશનના યુસીડી વિભાગ દ્વારા શેલ્ટર હોમમાં રહેવાની વ્યવસ્થા અંગે સમજાવવામાં આવશે. બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે મ્યુનિસિપલ શાળાઓમાં પ્રવેશ અપાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તંત્ર તરફથી વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવા અપીલ કરવામાં આવી છે.

દોઢ વર્ષ પહેલાં દબાણો દૂર કરાયાં હોવા છતાં અસરગ્રસ્ત પરિવારોને મકાન ન મળ્યાં મુદ્દે પૂર્વ વિપક્ષ નેતા અને દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણે સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે દબાણો દૂર થયા બાદ પણ પરિવારોને ઘર ફાળવવાની પ્રક્રિયા પૂરી થઈ નથી, જેથી અસરગ્રસ્તોને ભાડાના મકાનમાં રહેવું પડે છે અને ભાડાનો આર્થિક બોજ સહન કરવો પડે છે. તેમણે માગ કરી છે કે અસરગ્રસ્ત પરિવારો માટે ઝડપથી પ્લોટની ઓળખ કરવામાં આવે અને મકાનોનું બાંધકામ શરૂ કરીને તેમને ઘર ફાળવવામાં આવે. પરિવારો બેંકમાંથી લોન લઈને મકાન માટે નાણાં ચૂકવવા પણ તૈયાર છે, તેથી મકાનની વ્યવસ્થામાં વધુ વિલંબ ન થાય તે રીતે કામ કરવું જોઈએ.