અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. 17 વર્ષની સગીરા સાથે તેના સાવકા પિતાએ છેલ્લા બે મહિનાથી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. પીડિતાની માતા, જે વ્યવસાયે શિક્ષિકા છે, તેમણે પોતાના પતિની કરતૂતના પુરાવા મેળવવા ઘરના રૂમમાં છૂપો મોબાઈલ કેમેરો ગોઠવ્યો હતો અને વીડિયો રેકોર્ડ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સાવકા પિતા કપડાંની દુકાનમાં સેલ્સમેન છે. સગીરાની માતા સાથે 2017માં તેના લગ્ન થયા હતા. છેલ્લા કેટલાક સમયથી આરોપી સગીરા સાથે શારીરિક અડપલાં કરતો હતો. માતા સવારે શાળાએ જાય તેવા સમયે જ્યારે સગીરા ઘરે એકલી રહેતી, ત્યારે આરોપી તેની સાથે જબરજસ્તી કરી દુષ્કર્મ આચરતો હતો.
ઘરના સંકોચ અને ડરના કારણે સગીરાએ શરૂઆતમાં કોઈને કંઈ કહ્યું ન હતું. પરંતુ ત્રાસ વધતાં તેણે હિંમત કરીને પોતાની માસીને વાત કરી. ત્યારબાદ સગીરાની માતાએ પુરાવા એકત્ર કરવા માટે પોતાના રૂમમાં મોબાઈલ ફોન છૂપી રીતે ગોઠવી વીડિયો રેકોર્ડિંગ ચાલુ કર્યું. જ્યારે માતા શાળાએ ગયા બાદ આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું, ત્યારે તેનો સંપૂર્ણ વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો.
આ પુરાવા સાથે માતાએ ચાંદખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સાવકા પિતાની તાત્કાલિક ધરપકડ કરી છે. પોલીસે પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે અને મજિસ્ટ્રેટ સમક્ષ તેનું નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ હવે આરોપી સામે કડક ચાર્જશીટ રજૂ કરવા માટે વધુ તપાસ કરી રહી છે.