સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: ચાંદખેડામાં સાવકા પિતા સામે દીકરીના દુષ્કર્મનો આરોપ, પોક્સો હેઠળ ધરપકડ

અમદાવાદ: ચાંદખેડામાં સાવકા પિતા સામે દીકરીના દુષ્કર્મનો આરોપ, પોક્સો હેઠળ ધરપકડ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં એક 17 વર્ષીય સગીરા સાથે તેના સાવકા પિતાએ છેલ્લા બે મહિનાથી દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. સગીરાએ પોતાની માસીને આ વાત જણાવતા મામલો ખુલ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અને સગીરાની માતાએ 2017માં લગ્ન કર્યા હતા. આરોપી કપડાની દુકાનમાં નોકરી કરે છે. જ્યારે પણ સગીરાની માતા કે ભાઈ ઘરે ન હોય, ત્યારે આરોપી સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો.

લાંબા સમય સુધી આ ત્રાસ સહન કર્યા બાદ સગીરાએ હિંમત કરીને પોતાની માસીને આપવીતી જણાવી. માસીએ આ બાબત સગીરાની માતાને જણાવતા તે તરત પોલીસ સ્ટેશન પહોંચી હતી. ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધીને આરોપી સામે પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની યોગ્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ ચાલુ છે. સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ પરિવાર અને વિસ્તારમાં આઘાત જન્માવ્યો છે.