સત્ય. સાહસ. સંકલ્પ.

ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ: રાકેશ બારોટ અને વિક્રમ ઠાકોરની ભાવનાત્મક વિદાય, અકસ્માત સ્થળે સ્મારક બનાવશે

ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ: રાકેશ બારોટ અને વિક્રમ ઠાકોરની ભાવનાત્મક વિદાય, અકસ્માત સ્થળે સ્મારક બનાવશે

બનાસકાંઠાના સુઈગામના સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર અને કોમેડિયન ચંદન રાઠોડનું 17 સપ્ટેમ્બરે અકસ્માતમાં મોત થયું હતું. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના વતનમાં પરિવારજનો, મિત્રો, કલાકારો, કન્ટેન્ટ ક્રિએટરો અને મોટી સંખ્યામાં ચાહકો ઉમટી રહ્યા છે.

આ શોકસભામાં લોકપ્રિય કલાકાર રાકેશ બારોટે જણાવ્યું કે, 'ચંદન વાતચીતમાં ખૂબ સંયમ રાખતા અને નાના કલાકારને પણ સન્માન આપતા હતા.' તેમણે કન્ટેન્ટ ક્રિએટર્સને સંયમ રાખીને વીડિયો બનાવવાની સલાહ પણ આપી હતી.

સુઈગામમાં યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગાયક વિજય સુવાડા તેમના ગ્રુપ સાથે પહોંચ્યા હતા. જ્યાં વિહોતર ગ્રૂપ ઓફ ભારત અને અખિલ ભારતીય રબારી સમાજ દ્વારા ચંદન રાઠોડના પરિવારને રૂ. 51 હજારની આર્થિક મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત આવનારી પેઢીઓ સુધી તેમની યાદ જીવંત રહે તે માટે અકસ્માત સ્થળે સ્મારક બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

વિહોતર ગ્રૂપના રાષ્ટ્રીય અધ્યક્ષ જીવરાજભાઈ આલેએ જણાવ્યું કે ચંદન રાઠોડે માત્ર કોમેડી નહીં, પરંતુ પોતાના સરળ સ્વભાવ અને લોકો પ્રત્યેના પ્રેમથી લોકોના દિલમાં સ્થાન બનાવ્યું હતું.

ગાયક વિક્રમ ઠાકોરે તેમની સાથેની મિત્રતાને યાદ કરતાં કહ્યું, 'અમારા બહુ સારા સંબંધો હતા. અમે બહુ ઓછું મળ્યા છીએ, પણ જ્યારે મારી ફિલ્મ 'અધૂરી વાર્તાનો છેલ્લો પાનો'નું શૂટિંગ થયું ત્યારે અમે લગભગ એકથી દોઢ મહિના સાથે રહ્યા હતા. તેમનો સ્વભાવ એટલો શરમાળ અને સરળ હતો કે વીડિયોમાં તેઓ ભલે કોમેડી કરતા હોય, પણ વાસ્તવમાં તેમની સાથે બેસો તો ખબર પડે. અમારી બહુ સારી દોસ્તી હતી. તે મને ઘણી વાર વીડિયો મોકલીને પૂછતા કે 'કેવો વીડિયો બન્યો છે? તમે મોટા એક્ટર છો, અમે તમને જોઈને શીખીએ છીએ.' હું કહું છું કે તમે બહુ સારું કામ કરો છો, બહુ સારી કોમેડી કરો છો અને બહુ સારા કલાકાર છો.'

વિક્રમ ઠાકોરે પરિવારને દુઃખની ઘડીમાં સાંત્વના આપતાં કહ્યું, 'આટલી નાની ઉંમરે પરિવારને કેટલું દુઃખ થયું હશે! આ દુઃખ સહન જ ન કરી શકાય. જેને આવું થયું હોય તેને જ ખબર હોય. ભગવાન માતાજી પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. ચંદનભાઈ લવ ગુરુની આત્માને શાંતિ મળે એવી પણ પ્રાર્થના કરું છું.'

તેમણે ટુ-વ્હીલર ચલાવનારા યુવાનોને હેલ્મેટ પહેરવાની આગ્રહ કરતાં કહ્યું, 'બસ નવા ક્રિએટર્સને એટલું જ કહીશ કે જો તમે ટુ-વ્હીલર ચલાવો છો તો હેલ્મેટનો જરૂરથી ઉપયોગ કરો. જો મારા ભાઈએ હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ આ દિવસ જોવાનો સમય ન આવ્યો હોત. એટલે મારા દરેક ચાહકો, યુવા મિત્રો અને કલાકારોને ખાસ વિનંતી છે કે હેલ્મેટ પહેરવાનું ભૂલતા નહીં.'

ઉત્તર ગુજરાતના લોકગાયિકા રાજન કાપરાએ ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, 'ચંદન આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ તેમના અવસાન પ્રસંગે ઉમટેલી લોકોની વિશાળ ભીડ એ તેમની મીઠાશ અને લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે. તેમણે એવું સુંદર જીવન જીવ્યું કે જેઓ તેમને મળ્યા હતા અને જેઓ નથી મળ્યા, તે સૌને આજે તેમના જવાથી ઊંડું દુઃખ છે. બનાસકાંઠાના લોકો ખૂબ જ માયાળુ છે. આ દુઃખદ સમયમાં બનાસકાંઠાવાસીઓએ અને સોશિયલ મીડિયાના મિત્રોએ તેમના પરિવારજનોને, ખાસ કરીને તેમના દીકરા અને દીકરીને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે. આપણે સૌએ એવી જ મહેનત ચાલુ રાખવી જોઈએ જેથી તેમના પરિવારને પૂરતો ટેકો મળી રહે. મેં મારા તરફથી સેવારૂપે રૂ. 11 હજારની રકમ તેમના પરિવારને અર્પણ કરી છે. હું અન્ય તમામ મિત્રોને પણ નમ્ર અપીલ કરું છું કે તમારી શક્તિ મુજબ રૂ. 5, 25, 100 કે 500 જે પણ યથાશક્તિ રકમ બને તેટલી મદદ આ પરિવારને કરો.'

આ શોકસભા અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં લોકપ્રિય કલાકાર રાકેશ બારોટ સહિતના અન્ય કલાકારો તેમજ ભાભર પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) પણ મોટી સંખ્યામાં લોકો સાથે જોડાયા હતા અને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ચંદન રાઠોડને યાદ કરતાં એક સહ-કલાકારે જણાવ્યું હતું કે તેમનો સ્વભાવ અત્યંત સરળ અને મિલનસાર હતો. તેઓ દરેકને પ્રેમથી મળતા અને નાના કલાકારોને પણ પ્રોત્સાહન આપતા.