સત્ય. સાહસ. સંકલ્પ.

ચંદન રાઠોડનું અકસ્માતમાં મોત: પિતાએ કહ્યું, 'વીડિયો બનાવવાનું તારું કામ નથી, મજૂરી કર'

ચંદન રાઠોડનું અકસ્માતમાં મોત: પિતાએ કહ્યું, 'વીડિયો બનાવવાનું તારું કામ નથી, મજૂરી કર'

ગુજરાતી કોમેડિયન અને યુટ્યુબર ચંદન રાઠોડનું 17 સપ્ટેમ્બરે અકસ્માતમાં મોત થયું હતું. થરાદના રહેવાસી ચંદન 'ગુજ્જુ લવ ગુરુ' તરીકે જાણીતા થયા હતા. તેમના પિતા ઘેગાજી રાઠોડે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં દીકરાના સંઘર્ષની કહાણી જણાવી હતી.

ઘેગાજીએ કહ્યું, 'મેં તેને વીડિયો બનાવવાની ના પાડતાં કહ્યું હતું કે, દીકરા, વીડિયો બનાવવાનું તારું કામ નથી, તને 25 રૂપિયા મળવાના નથી. પણ દીકરાએ જીદ પકડી અને સંઘર્ષ ચાલુ રાખ્યો. તેની મહેનત રંગ લાવી અને તે ગુજ્જુ લવ ગુરુ બની ગયો.'

ચંદનના વીડિયો તેના પિતાએ ક્યારેય જોયા નથી, પણ લોકો તેમને દીકરાના વીડિયો વિશે જણાવતા. ઘેગાજીએ કહ્યું, 'દીકરાએ નામ અમર કરી દીધું છે. ભગવાને સારું બતાવ્યું, પણ દુઃખ પણ આપ્યું.'

અકસ્માતના દિવસે ઘેગાજી બેસણામાં ગયા હતા. ત્યાં ફોન આવ્યો કે સામસામે બે બાઇક ટકરાતાં ભાઈને ભાભર દાખલ કર્યા છે. તેઓ હોટલવાળા ભાઈની ગાડી લઈને ભાભર ગયા. ચંદનના ઘરે લોકો સાંત્વના આપવા આવી રહ્યા છે.

શૂટિંગના દિવસે સવારે ચંદન નીકળ્યો ત્યારે પિતાએ પૂછ્યું, 'બેટા, આજે શૂટિંગ કરવા જવાનું છે?' તેણે કહ્યું, 'કાકા, બે વાગ્યે આવતો રહીશ.' પણ એક વાગ્યે ફોન આવ્યો.

ઘેગાજીએ જણાવ્યું કે, 'છેલ્લા બે વર્ષથી મેં મજૂરી કરી નથી. ચંદન કહેતો, 'કાકા, તમારે મજૂરી કરવાની જરૂર નથી.''

ચંદન છેલ્લા 5-6 વર્ષથી આ કામ કરતો હતો. પહેલાં તે મોરબી રહ્યો હતો. પછી કોલકત્તાના કામની વાત આવતાં પિતાએ કહ્યું, 'બેટા, તને સારું લાગે તો જા, નહીંતર મજૂરી અને ખેતી છે.' ત્રણ છોકરીઓ અને બે છોકરાઓમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. ચંદન કોલકત્તા ગયો અને 4-6 મહિના રહ્યો.

પિતાએ કહ્યું, 'કોલકત્તાની પરિસ્થિતિ અનુકૂળ ન લાગતાં હું વ્યાજે પૈસા લઈને તેની પાસે ગયો. મેં કહ્યું, 'છોકરા, તારું કામ અહીં નથી. આમાં તને એક રૂપિયો પણ નહીં મળે. ઘરે આવીને મજૂરી કર.' તે પાછો આવી ગયો. પછી શૂટિંગ ગોઠવ્યું. શરૂઆતમાં અમને ગમતું નહોતું, પણ ધીમે ધીમે તે વ્યવસ્થિત થયો.'

ચંદન પૈસા આપતો અને માગતો પણ ખરો. પિતાએ કહ્યું, 'જ્યારે શૂટિંગ જતો ત્યારે કહેતો, 'કાકા, 500 રૂપિયા આપો, પેટ્રોલ નાખવું છે.' નાના ભાઈ પાસેથી પણ જરૂર પડે તો લેતો. હવે ખેતી થોડી છે, ભગવાન આપશે તો ચાલશે.'

સાથી કલાકાર વોહતા વિલેજ બોય ઉર્ફ અમરસિંહે ચંદનના દીકરા અને દીકરી સાથે એક રીલ્સ બનાવી છે. તેમાં બંને બાળકોના ભવિષ્ય માટે આર્થિક મદદની અપીલ કરી છે અને ક્યુઆર કોડ આપ્યો છે.