સત્ય. સાહસ. સંકલ્પ.

ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડનું અકસ્માતમાં મોત, 4 કલાક પહેલાની રીલ્સ વાઈરલ

ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડનું અકસ્માતમાં મોત, 4 કલાક પહેલાની રીલ્સ વાઈરલ

ગુજરાતના જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડ, જે 'ગુજ્જુ લવ ગુરુ' તરીકે પણ ઓળખાય છે, તેમનું બાઈક અકસ્માતમાં કરુણ મોત થયું છે. આ ઘટના વાવ-થરાદ નજીક ભાભર પાસે આવેલી હરિધામ ગૌશાળા પાસે બની હતી, જ્યાં બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ચંદન રાઠોડને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. તેમના નિધનથી પરિવારજનો અને ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ છે.

ચંદન રાઠોડ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય હતા. તેમના ઈન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયન ફોલોઅર્સ અને યુટ્યુબ પર 985 હજાર સબસ્ક્રાઈબર્સ હતા. સામાન્ય પરિવારમાંથી આવતા ચંદને લોકબોલી અને કોમેડી વિડિયો દ્વારા યુવાનોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. તેમણે ગુજરાતી ફિલ્મો અને કોમેડી શોમાં પણ કામ કર્યું હતું.

અકસ્માતના ચાર કલાક પહેલા જ તેમણે ઈન્સ્ટાગ્રામ પર જીવન અને મોત પર એક રીલ્સ અપલોડ કરી હતી, જે હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. તે રીલ્સમાં તેમણે કોમેડી અંદાજમાં કહ્યું હતું કે, 'જેનો ભરોસો નથી તેનું નામ જિંદગી છે, અને જેનો 100 ટકા ભરોસો છે તેનું નામ મોત છે.' આ ઘટનાએ સોશિયલ મીડિયા જગતમાં શોકની લાગણી પ્રસરાવી છે.