સત્ય. સાહસ. સંકલ્પ.

IPL 2027: દિલ્હી કેપિટલ્સમાં ચામિંડા વાસ બોલિંગ કોચ તરીકે જોડાયા

IPL 2027: દિલ્હી કેપિટલ્સમાં ચામિંડા વાસ બોલિંગ કોચ તરીકે જોડાયા

દિલ્હી કેપિટલ્સે IPL 2027 માટે શ્રીલંકાના ભૂતપૂર્વ ઝડપી બોલર ચામિંડા વાસને ટીમનો નવો બોલિંગ કોચ નિયુક્ત કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા આ જાહેરાત કરી.

આ પહેલા દિલ્હી કેપિટલ્સે સૌરવ ગાંગુલીને મુખ્ય કોચ અને યુવરાજ સિંહને સહાયક અને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. હવે ચામિંડા વાસની નિમણૂક સાથે ટીમના કોચિંગ સ્ટાફમાં ત્રીજો મોટો ફેરફાર થયો છે.

52 વર્ષીય ચામિંડા વાસ શ્રીલંકાના સૌથી સફળ ઝડપી બોલરોમાંના એક છે. તેમણે 111 ટેસ્ટમાં 355 વિકેટ અને 322 વનડેમાં 400 વિકેટ લીધી છે. તેઓ 1996નો વર્લ્ડ કપ જીતનારી શ્રીલંકન ટીમના સભ્ય હતા. તેમની સચોટ લાઇન-લેન્થ અને નવા બોલને બંને તરફ સ્વિંગ કરવાની ક્ષમતા માટે તેઓ જાણીતા છે.

વાસે અગાઉ શ્રીલંકાની સિનિયર અને યુવા ટીમો સાથે કોચિંગ કર્યું છે. તેઓ 2016 T20 વર્લ્ડ કપ દરમિયાન આયર્લેન્ડના બોલિંગ કોચ અને ન્યૂઝીલેન્ડના ઝડપી બોલરોના સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, હેમાંગ બદાણીના બે વર્ષના કાર્યકાળ પછી દિલ્હી કેપિટલ્સે તેમના કોચિંગ સેટઅપમાં સંપૂર્ણ ફેરફાર કર્યો છે. ગાંગુલીને 6 ઓક્ટોબરે મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. IPLમાં મુખ્ય કોચ તરીકે આ ગાંગુલીનો પ્રથમ કાર્યકાળ હશે. અગાઉ તેમણે SA20માં પ્રિટોરિયા કેપિટલ્સની કોચિંગ કરી હતી. યુવરાજ સિંહ 13 ઓક્ટોબરે ટીમમાં સહાયક અને બેટિંગ કોચ તરીકે જોડાયા હતા.