સત્ય. સાહસ. સંકલ્પ.

IPL 2027: દિલ્હી કેપિટલ્સના નવા બોલિંગ કોચ બન્યા ચામિંડા વાસ, 16 વર્ષ પછી IPL માં વાપસી

IPL 2027: દિલ્હી કેપિટલ્સના નવા બોલિંગ કોચ બન્યા ચામિંડા વાસ, 16 વર્ષ પછી IPL માં વાપસી

શ્રીલંકાના દિગ્ગજ ફાસ્ટ બોલર ચામિંડા વાસ દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચ બન્યા છે. આઈપીએલ 2027 પહેલાં દિલ્હી કેપિટલ્સે જૂનો કોચિંગ સ્ટાફ બદલ્યો હતો. તે પછી ફ્રેન્ચાઈઝીએ સૌરવ ગાંગુલીને હેડ કોચ અને યુવરાજ સિંહને બેટિંગ કોચ તરીકે નિમ્યા છે. હવે આ ત્રણ દિગ્ગજ ખેલાડીઓ કોચિંગ સ્ટાફમાં જોડાયા છે.

ચામિંડા વાસે ખેલાડી તરીકે આઈપીએલમાં ત્રણ સિઝન રમી છે. 2008થી 2010 સુધી તેમણે ડેક્કન ચાર્જર્સ માટે 13 મેચ રમીને 18 વિકેટ લીધી હતી. 2009માં ડેક્કન ચાર્જર્સની ચેમ્પિયન ટીમનો તે ભાગ પણ હતા. 16 વર્ષ પછી તેમની આઈપીએલમાં વાપસી થઈ છે.

કોચિંગના અનુભવની વાત કરીએ તો વાસે શ્રીલંકાની રાષ્ટ્રીય ટીમ સાથે કામ કર્યું છે. આ ઉપરાંત ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડ સાથે સલાહકાર તરીકે પણ તેમણે સેવા આપી છે. શ્રીલંકાની ટીમ વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમને 761 વિકેટ લીધી છે અને તે દેશના બીજા સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે. આ અનુભવ દિલ્હી કેપિટલ્સના બોલરોને કામ લાગી શકે છે.

દરમિયાન, દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફમાં દિગ્ગજ સ્પિન બોલર અમિત મિશ્રાની પણ એન્ટ્રી થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર તે આગામી સિઝનમાં ટીમના સ્પિન બોલિંગ કોચ હોઈ શકે છે. ઓગસ્ટમાં દિલ્હી ટીમે બેંગલુરુમાં ટ્રાયલ્સ કરાવ્યા હતા, જેમાં સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહની સાથે અમિત મિશ્રા પણ હાજર હતા. સપ્ટેમ્બરમાં યોજાયેલા વધુ એક ટ્રાયલ કેમ્પમાં અમિત મિશ્રા, ચામિંડા વાસ અને યુવરાજ સિંહ હાજર રહ્યા હતા.