જેલમાં બંધ ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટે ત્રણ દિવસના હંગામી જામીન આપ્યા છે. આ જામીન તેમને બીમાર ભાઈને મળવા માટે આપવામાં આવ્યા છે.
ચૈતર વસાવાએ અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં સાત દિવસના જામીન માટે અરજી કરી હતી. હાઈકોર્ટે તેમને એક દિવસના જામીન આપ્યા હતા. આ હુકમને પડકારતા ચૈતર વસાવાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
એડવોકેટ પુનીત જૂનેજાએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે ચૈતર વસાવાને ત્રણ દિવસના હંગામી જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટમાં ચૈતર વસાવા વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 12 ઓક્ટોબર, 2026ના રોજ ચૈતર વસાવાના 35 વર્ષીય નાનાભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નિઝર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસનું કારણ સામે આવ્યું છે.
ચૈતર વસાવા જેલમાં કેમ છે તેની પૃષ્ઠભૂમિ એવી છે કે 30 ઓક્ટોબર, 2023ના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારના બોગજ ગામે વનવિભાગની જમીન પર ખેડૂતો ખેતી કરી રહ્યા હતા. વનવિભાગની ટીમે પહોંચીને પાક દૂર કરી ખેડૂતો સામે ગુનો દાખલ કર્યો હતો. આ બાબત ચૈતર વસાવા સુધી પહોંચી અને તેમણે વનવિભાગના સ્ટાફને પોતાના ઘરે મળવા બોલાવ્યા હતા. વાતચીત દરમિયાન વાત વણસી અને ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલાબેન તથા સાથીઓએ વનવિભાગના સ્ટાફ સાથે મારામારી કરી હોવાનો આરોપ છે. ચૈતર વસાવાએ ડર ઊભો કરવા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું પણ FIRમાં નોંધાયું છે.
ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે ચૈતર વસાવા અને તેમના સાથીઓએ વનવિભાગના સ્ટાફ પાસે 60 હજાર રૂપિયાની માગણી કરી હતી. ATMમાંથી રકમ ન નીકળતાં વનવિભાગના અધિકારીએ ચૈતર વસાવા અને તેમના સાથીને બે વખત 30-30 હજાર મળીને 60 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ પુરાવો કેસમાં મહત્વનો બન્યો હતો. કોર્ટમાં 17 સાક્ષીઓની તપાસ થઈ હતી અને રાજ્ય સરકારે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અમિત નાયરની નિમણૂક કરી હતી. આરોપીઓ વતી વરિષ્ઠ વકીલ સુરેશચંદ્ર કે. જોશીએ કેસ લડ્યો હતો.
રાજપીપળા સેશન્સ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.વી. હીરપરાએ ચૈતર વસાવા સહિત નવ લોકોને દોષિત ઠેરવીને સાત વર્ષની સજા અને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. હાલમાં બાકીના આરોપીઓ જામીન પર છૂટી ગયા છે, પરંતુ ચૈતર વસાવાને 23 જૂન, 2026ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર, 2026માં વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે હાઈકોર્ટે તેમને સાત દિવસના જામીન આપ્યા હતા.