સત્ય. સાહસ. સંકલ્પ.

ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી 3 દિવસના હંગામી જામીન, બીમાર ભાઈને મળી શકશે

ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી 3 દિવસના હંગામી જામીન, બીમાર ભાઈને મળી શકશે

ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમના બીમાર ભાઈને મળવા માટે ત્રણ દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. ચૈતર વસાવાના ભાઈ સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તેમને મળવા માટે આ રાહત આપવામાં આવી છે.

અગાઉ ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને 12 કલાકના હંગામી જામીન આપ્યા હતા, પરંતુ તેમણે આ રાહતને પૂરતી ન માનતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે રજૂઆતને ધ્યાનમાં લઈને ત્રણ દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે.

ચૈતર વસાવા તરફથી સુપ્રીમ કોર્ટમાં સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે તેમનો પક્ષ રજૂ કર્યો હતો. આ નિર્ણયથી ચૈતર વસાવાને તેમના ભાઈને મળવાની તક મળશે.

ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2023માં નર્મદા જિલ્લાના બોગાજ ગામ નજીક વન વિભાગની સરકારી જમીન પર કેટલાક સ્થાનિક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે પાક વાવવામાં આવ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ આ અતિક્રમણ હટાવીને ગેરકાયદેસર પાકનો નાશ કર્યો હતો, જેના કારણે વિવાદ સર્જાયો હતો. ત્યારે જમીન વિવાદ અંગે ચર્ચા કરવા માટે ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને ડેડિયાપાડા ખાતે પોતાના ઘરે બોલાવ્યા હતા. વન વિભાગની ફરિયાદ અનુસાર, વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. ચૈતર વસાવા અને તેમના સમર્થકોએ વનકર્મીઓ સાથે મારપીટ કરી, ખંડણી માંગી અને સરકારી કર્મચારીઓને ડરાવવા માટે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. વન વિભાગની ફરિયાદના આધારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા અને અન્ય લોકો સામે ગુનો નોંધાયો હતો.