સત્ય. સાહસ. સંકલ્પ.

ચૈતર વસાવાને વિધાનસભા સત્ર માટે 7 દિવસનો હંગામી જામીન, ગાંધીનગર છોડી શકશે નહીં

ચૈતર વસાવાને વિધાનસભા સત્ર માટે 7 દિવસનો હંગામી જામીન, ગાંધીનગર છોડી શકશે નહીં

અમદાવાદ: ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે સાત દિવસનો હંગામી જામીન આપ્યો છે. જેલમાંથી છૂટ્યા પછી સાત દિવસ સુધી તેઓ જામીન પર રહી શકશે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં ઉપસ્થિત રહેવા માટે તેમણે આ જામીન માંગ્યા હતા. તેઓ ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલાના કેસમાં વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે.

સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે માત્ર ત્રણ દિવસના સત્ર માટે ત્રણ દિવસનો જ જામીન આપવો જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે ચૈતર વસાવા કોઈ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લે અને મીડિયા સાથે વાત ન કરે. કોર્ટે પણ આ શરતો સાથે જામીન મંજૂર કર્યા છે.

કોર્ટે આદેશ કર્યો છે કે વસાવા ગાંધીનગર છોડી શકશે નહીં. લોકોને સંબોધન કરી શકશે નહીં અને મીડિયાને પણ કોઈ ઈન્ટરવ્યૂ નહીં આપી શકે. મીડિયા ઈન્ટરવ્યૂ અંગે કોર્ટે ખાસ ટકોર કરતાં કહ્યું કે ચૈતરનો મીડિયા ઈન્ટરવ્યૂ ન થવો જોઈએ, કારણ કે તેમની અરજીની સુનાવણી દરમિયાન કેટલાક અહેવાલોમાં ખોટી માહિતી આપવામાં આવી હતી. ચૈતરના વકીલે કોર્ટની બધી શરતો પાળવાની બાંયધરી આપી છે.

કોર્ટે સવાલ ઉઠાવ્યો કે એક તરફ રાજ્ય સરકાર વિધાનસભામાં હાજર રહેવા આમંત્રણ આપે છે, પણ બીજી તરફ કોર્ટમાં હંગામી જામીનનો વિરોધ કરે છે – આવું બેવડું વલણ શા માટે? સરકારી વકીલે જવાબમાં કહ્યું કે સરકારે વિધાનસભાના નિયમો મુજબ આમંત્રણ આપવું પડે છે.

ઉલ્લેખનીય છે કે 24 ઓગસ્ટના રોજ હાઈકોર્ટે ચૈતર વસાવાની નિયમિત જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે ત્યારે કહ્યું હતું કે અગાઉ જામીન પર છોડતી વખતે શરતો ન ભંગ કરવાનું કહેવામાં આવ્યું હતું, છતાં તેઓ ફરી ગુના

માં સંડોવાયા છે. સામાન્ય લોકોમાં ગેરસમજ ઊભી થાય છે કે સત્તામાં હોય તેવા લોકોને છૂટ મળી જાય છે.

કેટલો છે સમગ્ર મામલો?

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં જંગલની જમીન પર ગામલોકોએ કપાસ વાવ્યો હતો. વનવિભાગના અધિકારીઓએ તે જમીન ખાલી કરાવીને પાક વેચી નાખ્યો હતો. ગામલોકોએ વળતરની માગ કરતાં ચૈતર વસાવાનો સંપર્ક કર્યો હતો. તેમણે વન અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં વળતર આપવાનું નક્કી થયું હતું.

જોકે, પોલીસ ફરિયાદ અનુસાર, વસાવાએ વન અધિકારીઓને ધમકી આપીને 60 હજાર રૂપિયાનું વળતર માંગ્યું હતું. આરોપ છે કે તેમણે હાથપગ તોડવાની ધમકી આપી અને ગાળો આપી. એક વ્યક્તિને રિવોલ્વર લાવવા કહીને હવામાં ફાયરિંગ કર્યું હતું. વન કર્મચારીઓએ ડરના માર્યા ATMમાંથી રકમ કાઢીને ખેડૂતને ચૂકવી દીધી હતી.

આ કેસમાં નર્મદા કોર્ટે ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત 9 આરોપીને સાત વર્ષની સજા ફટકારી હતી. 23 જૂન, 2026ના રોજ તેઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. આમ તેઓ સવા બે મહિનાથી જેલમાં છે.

તાજેતરમાં શકુંતલા વસાવા સહિત પાંચ દોષિતોને હાઈકોર્ટે જામીન આપ્યા હતા. ચૈતર વસાવાના કિસ્સામાં તેમના વકીલે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે તેઓ ધારાસભ્ય છે અને વિધાનસભાના સત્રમાં ભાગ લેવો તેમની ફરજ છે.