ગાંધીનગર: ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે શરતોને આધીન હંગામી જામીન આપ્યા છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કરાયેલી અરજી પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હાઈકોર્ટે ચૈતર વસાવાને સાત દિવસના શરતી હંગામી જામીન મંજૂર કર્યા છે. જોકે, આ સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર છોડી શકશે નહીં અને વિધાનસભાના સત્રમાં ફરજિયાત હાજરી આપવી પડશે. તેમજ હાઈકોર્ટે તેમને મીડિયા સાથે વાતચીત કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
આ મામલે AAPના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગાધવીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે કોર્ટના નિર્ણયને સ્વાગત કરતાં કહ્યું કે ચૈતર વસાવા વિધાનસભામાં પોતાના વિસ્તારના જનપ્રશ્નો ઉઠાવી શકશે. આ નિર્ણય લોકશાહીના મૂલ્યોને મજબૂત કરે છે.
ચૈતર વસાવા હાલમાં વનકર્મીઓ સાથે થયેલા વિવાદ અને હુમલાના કેસમાં સજા ભોગવી રહ્યા છે. નર્મદા કોર્ટે ચૈતર વસાવા સહિત કુલ આઠ લોકોને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી. આ સજા બાદ પણ તેમનું ધારાસભ્ય પદ યથાવત છે.