ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે અભિનેત્રી અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા બાદના મુશ્કેલ સમય વિશે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે આ સમયગાળાની તેમના માનસિક સ્વાસ્થ્ય, અંગત જીવન અને ક્રિકેટ કારકિર્દી પર ઊંડી અસર પડી હતી.
એક વાતચીત દરમિયાન લેગ સ્પિનર ચહલે જણાવ્યું કે તેમને પેનિક એટેક આવવા લાગ્યા હતા. દારૂ પીવાની આદત પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બન્યું હતું અને અંતે પોતાની જિંદગીને ફરીથી સંભાળવા માટે તેમને 26 દિવસ રિહેબિલિટેશન સેન્ટરમાં વિતાવ્યા પડ્યા હતા.
આકાશ ચોપરાના પોડકાસ્ટમાં હાજરી આપતી વખતે ચહલે ધનશ્રીથી અલગ થયા બાદના પડકારો વિશે વાત કરી હતી. તેમણે સ્વીકાર્યું કે એ સમયગાળામાં અંગત જીવનની મુશ્કેલીઓ અને વ્યાવસાયિક જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવું તેમના માટે મુશ્કેલ બની ગયું હતું. ચહલે કહ્યું, “જીવનમાં સંતુલન મહત્ત્વપૂર્ણ છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેનો અમલ કરવો સરળ નથી. છૂટાછેડા બાદ પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. મારી માનસિક સ્થિતિ સારી નહોતી. મને સમજાયું કે જો હું આ જ રસ્તે આગળ વધતો રહીશ, તો જે વસ્તુને હું સૌથી વધુ પ્રેમ કરું છું, તેને બરબાદ કરી બેસીશ. અને એ છે ક્રિકેટ.”
ચહલે વધુમાં જણાવ્યું કે સમયસર પોતાની સમસ્યાઓને ઓળખીને તેનો ઉકેલ લાવવો જરૂરી હતો. જેથી તેની અસર તેમના જીવનની સૌથી પ્રિય બાબત એટલે કે ક્રિકેટ પર ન પડે. ચહલે દારૂની સમસ્યા અને રિહેબમાં વિતાવેલા 26 દિવસ વિશે ખુલાસો કર્યો. તેમણે સ્વીકાર્યું કે મુશ્કેલ સમયગાળા દરમિયાન તેમના માટે દારૂના સેવન પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની ગયું હતું. આ સ્થિતિમાંથી બહાર આવવામાં તેમને પરિવાર અને મિત્રો દ્વારા મળેલા સહકારને મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો.
તેમણે વધુમાં કહ્યું, “મુશ્કેલ દિવસોમાં પરિવાર અને મિત્રો જ તમારી સાથે ઊભા રહે છે. ગયા વર્ષે કાઉન્ટી ક્રિકેટ રમ્યા બાદ જ મેં દારૂ છોડી દીધો હતો, કારણ કે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. હું રિહેબિલિટેશન સેન્ટરમાં રહ્યો હતો. ત્યાં મેં 26 દિવસ વિતાવ્યા હતા. હવે મને ખબર છે કે આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો.”
પેનિક એટેકને કારણે ચહલને બોલવામાં પણ મુશ્કેલી પડતી હતી. તેમણે વધુમાં ખુલાસો કર્યો કે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓની અસર તેમના શરીર પર પણ જોવા મળતી હતી. તેમને ચિંતા અને પેનિક એટેકનો અનુભવ થવા લાગ્યો હતો. પોતાની સ્થિતિની ગંભીરતા વિશે વાત કરતાં તેમણે કહ્યું, “પરિસ્થિતિ ઘણી બગડી ગઈ હતી. મને પેનિક એટેક આવવા લાગ્યા હતા. ચિંતા થવા લાગી હતી. મારું મોઢું સંકોચાઈ જતું હતું. હું યોગ્ય રીતે વાત પણ કરી શકતો નહોતો.”
તેમણે એ પણ જણાવ્યું કે આ સ્થિતિ દરમિયાન તેમના હૃદયના ધબકારા ખૂબ જ વધી જતા હતા. આ લક્ષણો અન્ય લોકો પણ સરળતાથી જોઈ શકતા હતા. ચહલે કહ્યું, “ચિંતા એવી હોય છે કે જાણે અંદરથી તમારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકવા લાગે છે. પેનિક એટેક દરમિયાન મોઢું સંકોચાઈ જતું હતું અને હોઠ એટલા ખેંચાઈ જતા હતા તથા એક બાજુ વળી જતા હતા કે કોઈ પણ વ્યક્તિ સરળતાથી સમજી શકે કે મારા ચહેરા સાથે કંઈક ગડબડ છે.” ચહલના આ ખુલાસાથી ક્રિકેટના મેદાનની બહાર તેમણે અનુભવેલી અંગત મુશ્કેલીઓ અને તેની તેમના રોજિંદા જીવન પર પડેલી અસરની ઝલક જોવા મળે છે.
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માનાં લગ્ન ડિસેમ્બર 2020 માં થયાં હતાં. બંનેની મુલાકાત કોરોના મહામારી દરમિયાન થઈ હતી. જોકે, 2024ના મધ્યભાગની આસપાસ તેમના સંબંધોમાં તણાવ હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. આખરે માર્ચ 2025 માં બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. તેમના સંબંધો અને ત્યારબાદના અલગ થવાના નિર્ણયે લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. આ વિવાદ દરમિયાન બેવફાઈના આરોપોની ચર્ચાઓ પણ સામે આવી હતી.
છૂટાછેડા બાદ ચહલે સ્વીકાર્યું હતું કે અંગત જીવનમાં આવેલા આ મોટા બદલાવની અસર તેમના ક્રિકેટ પર પણ પડી હતી. તેમના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો કરવો કેટલો મુશ્કેલ હોઈ શકે છે અને સમયસર મદદ લેવી કેટલી જરૂરી છે.