દક્ષિણ આફ્રિકાની ડોમેસ્ટિક T20 ટુર્નામેન્ટ CSA Pro20 કપમાં ક્વાઝુલુ-નેટલ ઇનલેન્ડના ફાસ્ટ બોલર ચાડ લેકોકે ઇતિહાસ રચ્યો છે. જમણા હાથના આ ફાસ્ટ બોલરે ટાઇટન્સ સામેની મેચમાં એક જ ઓવરમાં પાંચ વિકેટ લીધી હતી.
લેકોકે આ સિદ્ધિ ટાઇટન્સની ઇનિંગની 19મી ઓવરમાં હાંસલ કરી. તેણે પહેલા બોલ પર લ્યુસ ડુ પ્લુયને બોલ્ડ કર્યો, બીજા બોલ પર બે રન આપ્યા, અને પછીના ચાર બોલમાં સતત ચાર વિકેટ લઈને ડબલ હેટ્રિક પૂરી કરી. તેણે ત્રીજા બોલ પર દયાન ગેલિયમ, ચોથા બોલ પર એફિવે માન્યાન્ડા, પાંચમા બોલ પર જાન્કો સ્મિટ અને છઠ્ઠા બોલ પર એસોસા અહિવાબાને આઉટ કર્યા.
ટાઇટન્સની ટીમ ઝડપી ગતિએ બેટિંગ કરી રહી હતી, પરંતુ 19મી ઓવરમાં લેકોકની ઘાતક બોલિંગે તેની ગતિ રોકી. તેમ છતાં ટાઇટન્સે 20 ઓવરમાં 204 રન બનાવ્યા.
ઉલ્લેખનીય છે કે આ મેચ પહેલા લેકોકે તેની T20 કારકિર્દીમાં ફક્ત બે વિકેટ લીધી હતી, જેનો ઇકોનોમી રેટ 9.11 રન પ્રતિ ઓવર હતો. પરંતુ આ મેચમાં તેણે 4 ઓવરમાં 26 રન આપીને 6 વિકેટ લીધી, જે તેની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.