કેન્દ્ર સરકારે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ (CGHS)ના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. હવે કેન્દ્રીય કર્મચારીઓ તેમના રહેઠાણ કે પોસ્ટિંગની જગ્યાની ભૌગોલિક શરત વગર પણ આ યોજનાનો લાભ લઈ શકશે. આ ફેરફારથી દેશભરના લાખો કર્મચારીઓને રાહત મળશે, જેઓ અત્યાર સુધી આ પ્રતિબંધોને કારણે યોજનાના લાભથી વંચિત હતા.
અગાઉની ભૌગોલિક શરતોને કારણે CGHS કવરેજની બહાર રહેતા કે પોસ્ટ થયેલા કર્મચારીઓને તબીબી સહાય મેળવવામાં ભારે મુશ્કેલી પડતી હતી. હવે નવા નિયમો હેઠળ લાયક કર્મચારીઓ અન્ય શરતો પૂરી કરીને અને નક્કી કરેલું યોગદાન ચૂકવીને CGHS પસંદ કરી શકશે. એક વાર આ વિકલ્પ પસંદ કર્યા પછી તેને બદલી શકાશે નહીં.
CGHS પસંદ કરતા કર્મચારીઓએ એક અંડરટેકિંગ આપવું પડશે કે તેઓ કે તેમના પરિવારના સભ્યો CGHS અને સેન્ટ્રલ સર્વિસેઝ (મેડિકલ અટેન્ડન્સ) રૂલ્સ, 1944 બંને હેઠળ બેવડા તબીબી લાભનો દાવો કરશે નહીં. જોકે, જે કર્મચારીઓ પહેલેથી CGHS કવરેજવાળા વિસ્તારમાં રહે છે અથવા તૈનાત છે, તેમના માટે આ કવરેજ ફરજિયાત રહેશે અને તેઓ તેના બદલે અન્ય નિયમોનો વિકલ્પ પસંદ કરી શકશે નહીં.
સરકારે કડક નિર્દેશ પણ આપ્યો છે કે જો કોઈ કર્મચારી ખોટી કે ભ્રામક માહિતી આપીને તબીબી લાભ લેવાનો પ્રયાસ કરશે, તો તેની સામે ગંભીર શિસ્તભંગની કાર્યવાહી થશે. આવી સ્થિતિમાં અનુશાસનાત્મક પગલાં સાથે ખોટી રીતે મેળવેલા લાભની નાણાકીય વસૂલાત પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે CGHS એ કેન્દ્ર સરકારના વર્તમાન અને નિવૃત્ત કર્મચારીઓ તથા તેમના પરિવારના પાત્ર સભ્યો માટેનો મહત્વનો સરકારી આરોગ્ય સંરક્ષણ કાર્યક્રમ છે. તેની શરૂઆત 1 જુલાઈ, 1954ના રોજ દિલ્હીમાં થઈ હતી. સમય જતાં આ યોજનાનો વ્યાપ દેશના 81 શહેરો સુધી વિસ્તર્યો છે અને તે વેલનેસ સેન્ટર્સ, પોલીક્લિનિક્સ અને એમ્પેનલ્ડ હોસ્પિટલો દ્વારા લાખો લાભાર્થીઓને આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહી છે.