સત્ય. સાહસ. સંકલ્પ.

કેન્દ્રીય કર્મચારીઓને 1.80 લાખ સુધીના લેપટોપ-ટેબલેટ, 4 વર્ષ પછી માલિકી હક્ક

કેન્દ્રીય કર્મચારીઓને 1.80 લાખ સુધીના લેપટોપ-ટેબલેટ, 4 વર્ષ પછી માલિકી હક્ક

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નાણા મંત્રાલયે નવા નિયમો જાહેર કર્યા છે. હવે લાયક કર્મચારીઓ ઓફિસના કામ માટે 1.80 લાખ રૂપિયા સુધીની કિંમતના લેપટોપ કે ટેબલેટ મેળવી શકશે. આ નિયમો 10 નવેમ્બરથી અમલમાં આવ્યા છે.

નાણા મંત્રાલયના ખર્ચ વિભાગ અનુસાર, 40 ટકાથી વધુ મેક-ઇન-ઇન્ડિયા (MII) કન્ટેન્ટ ધરાવતા ડિવાઇસ માટે 1.80 લાખ રૂપિયા (ટેક્સ સિવાય) સુધીની મંજૂરી છે. અન્ય ડિવાઇસ માટે મહત્તમ મર્યાદા 1.50 લાખ રૂપિયા (ટેક્સ સિવાય) રાખવામાં આવી છે. આ કિંમતમાં સ્ટાન્ડર્ડ સોફ્ટવેરનો ખર્ચ પણ સામેલ છે. આ મર્યાદામાં એપલના મેકબુક એર અને મેકબુક પ્રો જેવા મોડલ પણ આવી શકે છે. અગાઉ જુલાઈ 2023માં આ મર્યાદા 1 લાખ અને 1.30 લાખ રૂપિયા હતી.

નવા નિયમો હેઠળ તમામ કર્મચારીઓને ડિવાઇસ મળશે નહીં. પે લેવલ 12 અને તેનાથી ઉપરના તમામ મંજૂર પદો પરના અધિકારીઓ ડિવાઇસ મેળવવા પાત્ર રહેશે. પે લેવલ 8થી 11 સુધીના 50 ટકા કર્મચારીઓને ડિવાઇસ મળશે. મંત્રાલય કે વિભાગના સચિવ નાણાકીય સલાહકાર સાથે ચર્ચા કરીને આ મર્યાદા 75 ટકા સુધી વધારી શકશે.

નવા નિયમોની સૌથી મહત્ત્વની બાબત એ છે કે અધિકારી ચાર વર્ષ સુધી ડિવાઇસનો ઉપયોગ કર્યા બાદ તેને પોતાની પાસે રાખી શકશે. જોકે, તે પહેલાં વિભાગે ડિવાઇસમાંથી તમામ સરકારી અને સત્તાવાર માહિતી દૂર કરવી પડશે. જો કોઈ અધિકારી ચાર વર્ષ પૂર્ણ થતાં પહેલાં નિવૃત્ત થાય અથવા નોકરી છોડે તો ડિવાઇસ પરત કરવાની ફરજિયાત નથી, પરંતુ તેને ડિવાઇસની ઘસારા બાદની કિંમત ચૂકવવી પડશે. સરકાર દર વર્ષે 25 ટકાના દરે ડિવાઇસની કિંમતમાં ઘટાડો ગણશે.

આ નિયમો હેઠળ ચાર વર્ષના સમયગાળા દરમિયાન બીજું ડિવાઇસ આપવામાં આવશે નહીં. જોકે, હાલનું ડિવાઇસ આર્થિક રીતે રિપેર કરાવી શકાય તેમ ન હોય તો અપવાદરૂપે નવું ડિવાઇસ મળી શકે છે. આ નીતિ કેન્દ્ર સરકારનાં મંત્રાલયો, વિભાગો અને તેમની સાથે જોડાયેલી કચેરીઓને લાગુ પડશે. રાજ્ય સરકારો, સરકારી કંપનીઓ (PSU), સ્વાયત્ત સંસ્થાઓ અને કન્સલ્ટન્ટ્સને આ નિયમોનો લાભ મળશે નહીં.