સત્ય. સાહસ. સંકલ્પ.

કેન્દ્ર સરકારે કર્મચારીઓને 30 દિવસનું એડ-હોક બોનસ મંજૂર કર્યું, મહત્તમ 6,908 રૂપિયા મળશે

કેન્દ્ર સરકારે કર્મચારીઓને 30 દિવસનું એડ-હોક બોનસ મંજૂર કર્યું, મહત્તમ 6,908 રૂપિયા મળશે

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે પાત્ર સરકારી કર્મચારીઓને 30 દિવસના નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ (એડ-હોક) બોનસની જાહેરાત કરી છે. નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગે 15 ઓક્ટોબર, 2026ના રોજ આ અંગેનો ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યો છે.

આ નિર્ણયથી ગ્રુપ ‘C’ અને બિન-ગેઝેટેડ ગ્રુપ ‘B’ના કર્મચારીઓને મહત્તમ 6,908 રૂપિયા સુધીનો લાભ મળશે. આ ઉપરાંત સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPF) અને સશસ્ત્ર દળોના પાત્ર જવાનો તેમજ કેન્દ્ર સરકારનું પગાર માળખું ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશોના કર્મચારીઓને પણ આ બોનસ આપવામાં આવશે. જેઓ પ્રોડક્ટિવિટી-લિંક્ડ બોનસ સ્કીમ હેઠળ આવરી લેવાયેલા નથી, તેમને આ બોનસ મળશે.

બોનસ મેળવવાની પાત્રતા અને શરતો

એડ-હોક બોનસ મેળવવા માટે કર્મચારીએ વર્ષ 2025-26 દરમિયાન ઓછામાં ઓછી 6 મહિનાની સતત સેવા પૂર્ણ કરેલી હોવી જરૂરી છે અને તેઓ 31 માર્ચ, 2026ના રોજ સેવામાં હોવા જોઈએ. જેમણે 6 મહિનાથી 1 વર્ષ વચ્ચે સેવા આપી છે, તેમને સેવાની અવધિ મુજબ પ્રમાણસર (પ્રો-રાટા) આધારે બોનસ ચૂકવાશે.

વિશેષ કિસ્સામાં, 31 માર્ચ, 2026 પહેલાં નિવૃત્ત થયેલા, મેડિકલ આધારે નિવૃત્તિ લીધેલા અથવા અવસાન પામેલા કર્મચારીઓ, જો વર્ષ દરમિયાન ઓછામાં ઓછી 6 મહિનાની નિયમિત સેવા ધરાવતા હશે, તો તેઓ પણ આ બોનસ માટે પાત્ર રહેશે. રાજ્ય સરકારો કે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (PSU)માં ડેપ્યુટેશન પર ગયેલા કર્મચારીઓને આ બોનસ સંબંધિત સંસ્થાના નિયમો મુજબ મળશે.

બોનસની ગણતરી કેવી રીતે થશે?

બોનસની ગણતરી માટે માસિક વેતન મર્યાદા 7,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે કર્મચારીઓનું સરેરાશ માસિક વેતન 7,000 રૂપિયા કે તેથી વધુ છે, તેમના માટે ગણતરી આ પ્રમાણે થશે:

  • માસિક કેલ્ક્યુલેશન સીલિંગ: 7,000 રૂપિયા
  • ગણતરીની ફોર્મ્યુલા: 7,000 × 30 ÷ 30.4
  • મળવાપાત્ર બોનસ: 6,908 રૂપિયા (રાઉન્ડ ઓફ કરીને)

જો કોઈ કર્મચારીનું સરેરાશ માસિક વેતન 7,000 રૂપિયાથી ઓછું હશે, તો તેની વાસ્તવિક રકમના આધારે ગણતરી કરવામાં આવશે.

કેઝ્યુઅલ લેબરર્સ (દૈનિક વેતનભોગીઓ) માટેના નિયમો

કેન્દ્ર સરકારે કેઝ્યુઅલ લેબરર્સ માટે પણ બોનસની જોગવાઈ કરી છે. 6-દિવસીય અઠવાડિયું ધરાવતી ઓફિસોમાં કામ કરતા શ્રમિકોએ છેલ્લા 3 વર્ષમાં દર વર્ષે ઓછામાં ઓછા 240 દિવસ અને 5-દિવસીય અઠવાડિયું ધરાવતી ઓફિસોમાં દર વર્ષે ઓછામાં ઓછા 206 દિવસ કામ કરેલું હોવું જોઈએ.

કેઝ્યુઅલ લેબરર્સ માટે માસિક વેતન મર્યાદા 1,200 રૂપિયા રાખવામાં આવી છે, જેના આધારે 30 દિવસનું બોનસ 1,184 રૂપિયા (1,200 × 30 ÷ 30.4) થશે. જો તેમનું વાસ્તવિક વેતન આનાથી ઓછું હશે તો તે મુજબ ચૂકવણી કરાશે.

બજેટ અને ચૂકવણીની વિગત

આ બોનસ માટેનો તમામ ખર્ચ સંબંધિત મંત્રાલયો અને વિભાગોના નાણાકીય વર્ષ 2026-27ના મંજૂર થયેલા બજેટમાંથી કરવામાં આવશે અને તમામ ચુકવણી નજીકના રૂપિયામાં રાઉન્ડ ઓફ કરીને કરવામાં આવશે.