સત્ય. સાહસ. સંકલ્પ.

કેન્દ્રીય કર્મચારીઓને તહેવાર પહેલાં DA વધારાની આશા, જુલાઈનો ફુગાવો ચાર ટકા ઉપર

કેન્દ્રીય કર્મચારીઓને તહેવાર પહેલાં DA વધારાની આશા, જુલાઈનો ફુગાવો ચાર ટકા ઉપર

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. તાજેતરમાં જાહેર થયેલા જુલાઈ 2026ના મોંઘવારી આંકડા (AICPI-IW)માં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના આધારે મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) નક્કી થાય છે. એવી શક્યતા છે કે સરકાર આગામી તહેવારો પહેલાં DAમાં વધારો જાહેર કરે.

લેબર બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, જુલાઈ 2026માં ઔદ્યોગિક કામદારો માટેનો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 1.3 પોઈન્ટ વધીને 153.2 પર પહોંચ્યો છે. આ સાથે છૂટક ફુગાવાનો વાર્ષિક દર પણ વધીને 4.57 ટકા થયો છે, જે એક વર્ષ અગાઉ 2.66 ટકા હતો. આ આંકડા દેશભરના 88 ઔદ્યોગિક કેન્દ્રોના 317 બજારોમાંથી એકત્રિત ભાવના આધારે તૈયાર કરવામાં આવે છે.

આ ઇન્ડેક્સ છેલ્લા કેટલાક મહિનાથી સતત વધી રહ્યો છે. માર્ચ 2026માં તે 149.1 હતો, જે એપ્રિલમાં 149.9, મેમાં 150.8 અને જૂનમાં 151.9 પર પહોંચ્યો હતો. હવે જુલાઈમાં તે 153.2 થયો છે. આ વધતા વલણને કારણે કર્મચારી સંગઠનો અને આર્થિક નિષ્ણાતોને આશા છે કે આ વખતે DAમાં 3થી 4 ટકાનો વધારો થઈ શકે છે.

સરકાર વર્ષમાં બે વાર DA સુધારે છે, જે 12 મહિનાના સરેરાશ AICPI-IW આંકડા પર આધારિત હોય છે. સામાન્ય રીતે આ જાહેરાત માર્ચ અને ઓક્ટોબરમાં થાય છે. જોકે, અંતિમ વધારો બાકીના મહિનાના આંકડા અને કેબિનેટની મંજૂરી બાદ જ નક્કી થશે. તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને સરકાર જલ્દી જાહેરાત કરી શકે છે.