સત્ય. સાહસ. સંકલ્પ.

95 વર્ષ પછી વસતી ગણતરીમાં જાતિ પૂછાશે, 25 જાન્યુઆરીથી દેશની પહેલી ડિજિટલ ગણતરી

95 વર્ષ પછી વસતી ગણતરીમાં જાતિ પૂછાશે, 25 જાન્યુઆરીથી દેશની પહેલી ડિજિટલ ગણતરી

દેશમાં વસતી ગણતરીનો મુખ્ય તબક્કો 25 જાન્યુઆરી 2027થી શરૂ થશે અને 28 ફેબ્રુઆરી 2027 સુધી ચાલશે. આ વખતે વસતી ગણતરીમાં 40 પ્રશ્નો પૂછવામાં આવશે. ઘરોની ગણતરીનો પ્રથમ તબક્ચો જૂન 2026માં પૂર્ણ થઈ ગયો છે.

મહત્ત્વની વાત એ છે કે 1931 પછી પહેલી વાર એટલે કે 95 વર્ષ બાદ દેશમાં જાતિની ગણતરી થશે.

આ ભારતની પહેલી ડિજિટલ વસતી ગણતરી છે. સરકારની અધિસૂચના મુજબ 10થી 24 જાન્યુઆરી 2027 સુધી લોકો પોતે પોર્ટલ પર માહિતી ભરી શકશે. વસતી ગણતરીની સંદર્ભ તારીખ 1 માર્ચ 2027ની રાત્રે 12 વાગ્યા (00:00)ની રહેશે.

દેશના મોટા ભાગમાં વસતી ગણતરી થશે, પરંતુ કેટલાક વિસ્તારોમાં તે હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે:

મણિપુર: રાજ્યમાં જાતીય હિંસા અને રાષ્ટ્રપતિ શાસનને કારણે સ્થિતિ હજુ સામાન્ય નથી. તેથી આગળના આદેશ સુધી મણિપુરની વસતી ગણતરી અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે.

ચાર ચૂંટણીવાળા રાજ્યો: ગોવા, ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં 2027ની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં સ્ટાફ વ્યસ્ત રહેશે, તેથી આ રાજ્યોમાં વસતી ગણતરી ચૂંટણી પછી થશે.

બરફવાળા વિસ્તારો: લદ્દાખના સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં તથા હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતી અને કિન્નૌર જેવા ઊંચા વિસ્તારોમાં વસતી ગણતરી પછીમાં થશે. જમ્મુ-કાશ્મીરના બરફવાળા વિસ્તારોમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બરફને કારણે રસ્તા બંધ થઈ જાય છે, તેથી અહીં ઉનાળામાં એટલે કે સપ્ટેમ્બર-ઓક્ટોબર 2027માં ગણતરી થશે. આ વિસ્તારોને 'સ્નો બાઉન્ડ નોન-સિંક્રોનસ એરિયા' કહેવામાં આવે છે.

ગૃહ મંત્રાલય હેઠળના ભારતના રજિસ્ટ્રાર જનરલે વસતી ગણતરી અધિનિયમ 1948ની કલમ 3 હેઠળ આ આદેશ જારી કર્યો છે. આશરે 30 લાખ ગણતરીકર્તા અને સુપરવાઇઝર ટેબ્લેટ કે મોબાઇલ એપ દ્વારા માહિતી એકત્ર કરશે.

ગણતરી ત્રણ તબક્કામાં થશે. પહેલા, ઇચ્છે તો લોકો જાતે ઓનલાઇન ફોર્મ ભરી શકશે. ત્યારબાદ ગણતરીકર્તા ઘરે આવીને માહિતી લેશે. અંતે, કોઈ ઘર બાકી ન રહે તે માટે પાંચ દિવસનો રિવિઝન રાઉન્ડ યોજાશે.

કેન્દ્ર સરકારે વસતી ગણતરી 2027 માટે રૂ. 11,718.24 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. ગણતરી સમગ્ર દેશમાં કેન્દ્રના સંકલનથી થશે અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો તેના અમલીકરણમાં મદદ કરશે.