ભારતના લોકશાહી ઇતિહાસમાં ક્યારેય કોઈ મુખ્ય ચૂંટણી કમિશનરને મહાભિયોગ દ્વારા પદ પરથી હટાવવામાં આવ્યા નથી. પરંતુ હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષે મોરચો માંડ્યો છે. તેમની સામે મતદાર યાદી સુધારણામાં ગેરરીતિ અને પક્ષપાતી વલણના ગંભીર આક્ષેપો લાગ્યા છે. જેને લઈને તમામ વિપક્ષી પક્ષોએ (INDIA બ્લોક) એકજૂથ થઈને આગામી સંસદ સત્ર પહેલા તેમની સામે ત્રીજો મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી છે. ચાલો સમજીએ કે આ વિવાદ શું છે અને CEC ને હટાવવાની પ્રક્રિયા કેટલી જટિલ છે.
હાલનો વિવાદ શું છે?
તાજેતરમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ બાદ જ્ઞાનેશ કુમાર વિપક્ષના નિશાના પર આવ્યા છે. વિપક્ષનો આરોપ છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) નામની પ્રક્રિયા હેઠળ દેશભરમાંથી લાખો મતદારોના નામ મનસ્વી રીતે કમી કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચમાં આંતરિક મતભેદો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. ઉપરાંત, તાજેતરમાં જ કેરળના પૂર્વ મુખ્ય સચિવે એક વિસ્ફોટક દાવો કર્યો છે કે જ્યારે જ્ઞાનેશ કુમાર સરકારી અધિકારી હતા, ત્યારે તેમણે વર્ષ 2019 ની ચૂંટણીમાં તેમને એક રાજકીય પક્ષની ટિકિટની ઓફર કરી હતી.
આવા ગંભીર આક્ષેપોને કારણે વિપક્ષ તેમના રાજીનામાની માંગ કરી રહ્યું છે. આગામી 30 સપ્ટેમ્બરના રોજ INDIA બ્લોકની બેઠક મળવાની છે, જેમાં આ મુદ્દે અંતિમ રણનીતિ નક્કી કરવામાં આવશે.
CEC ને હટાવવાની બંધારણીય પ્રક્રિયા શું છે?
મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી હટાવવા કોઈ સરળ બાબત નથી. ભારતીય બંધારણમાં તેને માટે ખૂબ કડક જોગવાઈઓ છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સમાન દરજ્જો:
બંધારણના અનુચ્છેદ 324(5) મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનરને માત્ર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયા દ્વારા જ પદ પરથી દૂર કરી શકાય છે. જ્યારે કે, અન્ય બે ચૂંટણી કમિશનરોને CEC ની ભલામણથી સીધા રાષ્ટ્રપતિ દ્વારા દૂર કરી શકાય છે.
નોટિસ અને હસ્તાક્ષર:
પ્રક્રિયાની શરૂઆત લોકસભાના સ્પીકર અથવા રાજ્યસભાના અધ્યક્ષને નોટિસ મોકલીને થાય છે. આ પ્રસ્તાવ રજૂ કરવા માટે લોકસભામાં ઓછામાં ઓછા 100 સાંસદો અને રાજ્યસભામાં 50 સાંસદોની સહી હોવી ફરજિયાત છે.
સમિતિની રચના:
પૂરતા હસ્તાક્ષરવાળી નોટિસ મળ્યા બાદ, તેને સ્વીકારવી કે નહીં તેનો નિર્ણય ગૃહના અધ્યક્ષ કરે છે. જો નોટિસ સ્વીકારવામાં આવે, તો આરોપોની તપાસ માટે 3 સભ્યોની એક વિશેષ સમિતિ બનાવવામાં આવે છે.
તપાસ કમિટીના સભ્યો:
આ સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) અથવા સુપ્રીમ કોર્ટના કોઈ ન્યાયાધીશ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને એક પ્રતિષ્ઠિત કાનૂની નિષ્ણાતનો સમાવેશ થાય છે. જો બંને ગૃહોમાં એક જ દિવસે નોટિસ અપાઈ હોય તો બંને ગૃહોમાં સ્વીકૃતિ બાદ સમિતિ બને છે, નહીંતર જે ગૃહમાં પ્રસ્તાવ પહેલા આવે ત્યાં સમિતિ રચાય છે.
ચર્ચા અને મતદાન:
જો સમિતિને તપાસમાં આરોપો સાચા જણાય, તો તેનો વિગતવાર અહેવાલ ગૃહમાં રજૂ થાય છે. ત્યારબાદ પ્રસ્તાવ પર ચર્ચા થાય છે. જરૂર પડે તો આરોપી કમિશનરને પોતાનો પક્ષ રાખવા માટે ગૃહમાં બોલાવી શકાય છે. છેલ્લે મતદાન થાય છે. તેમાં જો બંને ગૃહોમાં 2/3 (બે તૃતીયાંશ) બહુમતીથી પ્રસ્તાવ પસાર થાય, તો જ રાષ્ટ્રપતિ તેમને હટાવવાની અંતિમ મંજૂરી આપે છે.
જ્ઞાનેશ કુમારને હટાવવા માટે અગાઉ પણ પ્રયાસ થયા છે
વિપક્ષ દ્વારા જ્ઞાનેશ કુમારને હટાવવા માટે આ અગાઉ પણ પ્રયાસો થઈ ચૂક્યા છે.