સત્ય. સાહસ. સંકલ્પ.

ચૂંટણી પંચના 'જીવંત પ્રતિબિંબ' છે BLO: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર

ચૂંટણી પંચના 'જીવંત પ્રતિબિંબ' છે BLO: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ હૉલ ખાતે યોજાયેલા 'ઇન્ટરેકશન વિથ બુથ લેવલ ઓફિસર' કાર્યક્રમમાં ગુજરાતના બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) સાથે સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભારતની ચૂંટણી પ્રક્રિયા બંધારણ, ચૂંટણી કાયદાઓ અને ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર જ હાથ ધરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને જમીની સ્તરે મતદારો સુધી પહોંચાડવાનું સૌથી મહત્વનું કાર્ય BLO કરે છે.

BLO એ ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ

જ્ઞાનેશ કુમારે BLOને ચૂંટણી પંચના પરિવારના સૌથી મહત્વના સભ્યો ગણાવ્યા. તેમણે કહ્યું કે જ્યારે BLO મતદારના ઘરે જાય છે અથવા ફોન પર વાત કરે છે, ત્યારે મતદાર માટે તે ચૂંટણી પંચનું જ પ્રતિબિંબ હોય છે. ભારત જેવા વિશાળ લોકતાંત્રિક દેશમાં કરોડો મતદારો સુધી પહોંચીને તેમની મતદાર યાદીમાં યોગ્ય નોંધણી, સુધારા અને મતદાન સુનિશ્ચિત કરવામાં BLOની ભૂમિકા અત્યંત મહત્વની છે.

દેશભરમાં 11 લાખથી વધુ BLO કાર્યરત

તેમણે જણાવ્યું કે દેશના આશરે 90 કરોડ મતદારોની અપેક્ષાઓ અને અધિકારો સાથે જોડાયેલી ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પાર પાડવા માટે દેશભરમાં 11 લાખથી વધુ BLO સતત કાર્યરત છે. ચૂંટણી પંચના વિશાળ પરિવાર સાથે સંવાદ જળવાઈ રહે તે માટે તાલીમ, બેઠક અને ECI-Net જેવા ડિજિટલ માધ્યમોનો પણ ઉપયોગ થાય છે.

મતદાર યાદીની પારદર્શિતા અંગે તેમણે જણાવ્યું કે યાદીની પ્રક્રિયામાં રાજકીય પક્ષો અને તેમના બૂથ લેવલ એજન્ટ્સની ભાગીદારીથી સતત ચકાસણી થાય છે. મતદાર યાદીમાં Absent, Shifted, Dead, Duplicate અને Foreigner (ASDDF) જેવા કિસ્સાઓ ઓળખીને યોગ્ય મતદારોનું નામ યાદીમાં રહે તે સુનિશ્ચિત કરવાનું કાર્ય BLO કરે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે 18 વર્ષ પૂર્ણ કરનાર દરેક પાત્ર ભારતીય નાગરિકનું નામ મતદાર યાદીમાં હોવું જોઈએ.

EVM અને VVPATની ચકાસણી પારદર્શક રીતે થાય છે

મતદાન પ્રક્રિયાની પારદર્શિતા સમજાવતા તેમણે જણાવ્યું કે મતદાન શરૂ થાય તે પહેલાં મૉક પોલ દરમિયાન ઉમેદવારોના પોલિંગ એજન્ટ્સની હાજરીમાં EVM અને VVPATની ચકાસણી થાય છે. મતદાન પૂર્ણ થયા બાદ પણ ઉમેદવારોના એજન્ટ્સની હાજરીમાં EVMના પરિણામ સંબંધિત પ્રક્રિયા પૂર્ણ થાય છે અને જરૂરી દસ્તાવેજો પર સહી થાય છે. તેવી જ રીતે મતગણતરી દરમિયાન ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટ્સની હાજરીમાં EVMમાં નોંધાયેલા મત અને ફોર્મ 17Cમાં દર્શાવાયેલા મતની ચકાસણી થાય છે. તેમણે કહ્યું કે ભારતની ચૂંટણી પ્રક્રિયાના દરેક તબક્કે રાજકીય પક્ષો, ઉમેદવારો અથવા તેમના એજન્ટ્સ દ્વારા સતત ચકાસણી થાય છે. આથી ભારતની ચૂંટણી પ્રક્રિયા વિશ્વની સૌથી પારદર્શક પ્રક્રિયાઓમાંની એક છે.

મતદાર યાદીની ચોકસાઈ માટે SIR પ્રક્રિયા

વિશેષ સઘન સુધારણા (SIR) પ્રક્રિયાનો ઉલ્લેખ કરતાં જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે મતદાર યાદીની શુદ્ધતા અને ચોકસાઈ જાળવવા ચૂંટણી પંચ સમયાંતરે પુનરીક્ષણ હાથ ધરે છે. BLO ઘરે-ઘરે જઈને મતદારો સાથે સીધો સંપર્ક કરે છે અને જરૂરી વિગતોની ચકાસણી કરે છે. યોગ્ય દસ્તાવેજો, મેપિંગ અને સુનાવણી જેવી પ્રક્રિયાઓ દ્વારા મતદાર યાદીને વધુ ચોક્કસ બનાવવાનો પ્રયાસ થાય છે.

તેમણે BLOને સતત સક્રિય રહેવા અનુરોધ કરતાં કહ્યું કે જ્યારે પણ સમય મળે ત્યારે તમારા વિસ્તારમાં મતદાર યાદી તપાસો અને 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનોનું નામ યાદીમાં ઉમેરાય તે માટે જરૂરી પ્રક્રિયા કરાવો. આ દેશના લોકતંત્રની સૌથી મોટી સેવા છે.

તાજેતરની વિવિધ ચૂંટણીઓમાં નોંધાયેલા ઊંચા મતદાનના ઉદાહરણો આપતાં તેમણે કહ્યું કે મતદાર જાગૃતિ અને ચૂંટણી કર્મચારીઓની મહેનતથી લોકશાહી વધુ મજબૂત બને છે. તેમણે BLOની નિષ્ઠા, મહેનત અને નિષ્પક્ષતાને બિરદાવતાં કહ્યું કે મતદાર યાદીમાં કોઈ ખામી રહે તો તેની જવાબદારી પરિવારના વડા તરીકે મારી છે, પરંતુ યાદી યોગ્ય અને શુદ્ધ બને તેનો શ્રેય આપણા BLO ભાઈઓ અને બહેનોને જાય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ભારતની લોકશાહી માત્ર કદમાં જ નહીં, પરંતુ તેની ઊંડાઈ, વિવિધતા અને જીવંતતામાં પણ અનોખી છે. આગામી ચૂંટણીઓમાં ગુજરાત વધુમાં વધુ મતદારોને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડીને દેશ માટે નવો દાખલો સ્થાપિત કરે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો.

મુખ્ય ચૂંટણી કમિશનરે ગુજરાતના BLOsની કામગીરીને અભિનંદન પાઠવી તેમના ઉત્સાહ અને મનોબળને વધાર્યું. તેમણે ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા અને લોકશાહીની મજબૂતી માટે BLOની નિષ્ઠા અને નિષ્પક્ષ કામગીરીને નિર્ણાયક ગણાવી.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સંદીપ સાગળેએ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.