સત્ય. સાહસ. સંકલ્પ.

પેનકિલર અને એન્ટિબાયોટિક્સની ટેવ કિડની માટે જોખમ, CDSCOની ચેતવણી

પેનકિલર અને એન્ટિબાયોટિક્સની ટેવ કિડની માટે જોખમ, CDSCOની ચેતવણી

સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ મહત્વની ચેતવણી જારી કરી છે. ડોક્ટરની સલાહ વગર લાંબા સમય સુધી પેનકિલર અને એન્ટિબાયોટિક્સ લેવાથી કિડનીને ગંભીર નુકસાન થઈ શકે છે. નિષ્ણાતોના મતે, આ દવાઓનો વધુ પડતો ઉપયોગ ‘ક્રોનિક કિડની ડિસિઝ’નું મુખ્ય કારણ બની શકે છે.

સામાન્ય રીતે લોકો માથાનો દુખાવો, સાંધાનો દુખાવો કે શરીરમાં થતી સામાન્ય પીડા માટે ડોક્ટરની સલાહ વગર જ મેડિકલમાંથી પેનકિલર ખરીદી લે છે. પરંતુ લાંબા સમય સુધી આવી દવાઓ લેવાથી કિડની પર ખૂબ ખરાબ અસર પડે છે. ડોક્ટરોના કહેવા મુજબ, યુવાનોમાં પણ કિડની ખરાબ થવાના કેસો વધી રહ્યા છે, જેનું મોટું કારણ લાંબા સમય સુધી પેનકિલરનું સેવન છે. ગંભીર કેસોમાં દર્દીઓને ડાયાલિસિસ પર રાખવાની નોબત પણ આવી જાય છે.

જો સામાન્ય દર્દ હોય તો મહિનામાં એક કે બે દિવસ દવા લઈ શકાય, પરંતુ સતત દુખાવા માટે હંમેશા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ફક્ત પેનકિલર જ નહીં, શરદી, ખાંસી કે સામાન્ય વાયરલ ઇન્ફેક્શનમાં પણ લોકો જાતે એન્ટિબાયોટિક્સ ખાવા લાગે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. CDSCOએ સ્પષ્ટ કર્યું છે કે દરેક ચેપમાં એન્ટિબાયોટિક્સની જરૂર હોતી નથી. કયા રોગમાં કઈ દવા અને કેટલા દિવસ લેવી, તે ફક્ત ડોક્ટર જ દર્દીની સ્થિતિ જોઈને નક્કી કરી શકે છે. તેથી સેલ્ફ-મેડિકેશનથી બચવું ખૂબ જરૂરી છે.