સત્ય. સાહસ. સંકલ્પ.

પ્રિસ્ક્રિપ્શન વગર પેઇનકિલર કે એન્ટિબાયોટિક લેવાથી કિડનીને ગંભીર નુકસાનનું જોખમ, CDSCO ની ચેતવણી

પ્રિસ્ક્રિપ્શન વગર પેઇનકિલર કે એન્ટિબાયોટિક લેવાથી કિડનીને ગંભીર નુકસાનનું જોખમ, CDSCO ની ચેતવણી

દેશની દવા નિયમનકારી સંસ્થા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ પેઇનકિલર (NSAIDs) અને એન્ટિબાયોટિક્સના ખોટા ઉપયોગ અંગે એક એડવાઈઝરી સર્ક્યુલર બહાર પાડ્યું છે. સર્ક્યુલરમાં ચેતવણી આપવામાં આવી છે કે ડૉક્ટરની સલાહ કે પ્રિસ્ક્રિપ્શન વગર આ દવાઓનું સતત, વારંવાર કે લાંબા સમય સુધી સેવન કરવાથી ક્રોનિક કિડની ડિસીઝ (CKD)નું જોખમ ઘણું વધી જાય છે.

ઘણા લોકો નાની-મોટી તકલીફમાં ડૉક્ટર પાસે જવાને બદલે સીધા મેડિકલ સ્ટોર પરથી પેઇનકિલર કે એન્ટિબાયોટિક લઈ લે છે. જાતે જ દવા શરૂ કરવી, મન થાય ત્યારે બંધ કરી દેવી કે બીજાની બચેલી દવા ફરી વાપરવી — આવી ટેવો નાની ઉંમરે પણ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. CDSCOએ આ જોખમને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શિકા જારી કરી છે.

સર્ક્યુલર મુજબ, NSAIDs/પેઇનકિલર અને એન્ટિબાયોટિક્સ ડૉક્ટરની સલાહ વગર લેવા જ નહીં. ડૉક્ટરે લખી આપેલી એન્ટિબાયોટિક્સ ફક્ત સૂચવેલી રીતે અને પૂરી કોર્સ જ લેવી. આ દવાઓ બીજા સાથે શેર કરવી નહીં અને પહેલાંની બચેલી એન્ટિબાયોટિક્સ ફરી વાપરવી નહીં. આવી ભૂલો ગંભીર આરોગ્ય નુકસાન તરફ દોરી શકે છે.

ડૉક્ટરો અને ક્લિનિક્સ માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ડૉક્ટરોએ દર્દીને પેઇનકિલર કે એન્ટિબાયોટિક ત્યારે જ લખવું જોઈએ જ્યારે તેની ખરેખર જરૂર હોય. નવી દવા લખતી વખતે દર્દીની ઉંમર, અગાઉની બીમારીઓ અને ચાલી રહેલી અન્ય દવાઓ ધ્યાનમાં લેવી. દુખાવાની દવા આપતી વખતે શક્ય હોય ત્યાં સુધી સૌથી ઓછી અસરકારક માત્રા વાપરવી.

દવા વેચતા વેપારીઓ અને કેમિસ્ટ્સ માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે પેઇનકિલર અને એન્ટિબાયોટિક્સ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દર્દીને આપવી નહીં. મોટાભાગની પેઇનકિલર શેડ્યૂલ Hમાં અને મોટાભાગની એન્ટિબાયોટિક્સ શેડ્યૂલ H1માં આવે છે, જે પ્રિસ્ક્રિપ્શન વગર વેચવી નિયમવિરુદ્ધ છે. દવાના પેકેટ પર લખેલી ચેતવણી — જેમ કે 'ડૉક્ટરની સલાહ વગર દવા લેવી જોખમી છે' — તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

આ સર્ક્યુલર હેલ્થકેર પ્રોફેશનલ્સ, ફાર્મસીઓ, રીટેલર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ અને હોસ્પિટલોને સંબોધીને જારી કરવામાં આવ્યું છે. CDSCOની આ ચેતવણી દવાઓના દુરુપયોગ સામે એક મહત્ત્વનું પગલું માનવામાં આવે છે.