ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન (CCE) આજથી સમગ્ર રાજ્યમાં શરૂ થઈ છે. આ પરીક્ષા 29 સપ્ટેમ્બર સુધી ચાલશે, જેમાં 4.58 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી છે. અત્યાર સુધીમાં 83 ટકા એટલે કે 3.82 લાખ પરીક્ષાર્થીઓએ તેમના કોલ લેટર ડાઉનલોડ કરી લીધા છે.
તંત્રનું આયોજન એવું છે કે રોજના 30થી 36 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. માત્ર અમદાવાદ શહેરમાં જ 17 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જ્યાંથી આગામી દિવસોમાં એક લાખથી વધુ યુવાનો પરીક્ષા આપશે.
પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે તંત્ર ખાસ તકેદારી રાખી રહ્યું છે. કોઈ અસામાજિક તત્વો અગાઉથી કેન્દ્રોની રેકી ન કરી શકે તે માટે પરીક્ષા કેન્દ્રોની વિગતો ખાનગી રાખવાનો નિર્ણય લેવાયો છે. આ કમ્પ્યુટર આધારિત (CBT) પરીક્ષા માટે નક્કી કરાયેલા કેન્દ્રોમાં કોમ્પ્યુટર લેબની ક્ષમતાને ધ્યાનમાં રાખીને એક સેન્ટર પર 100થી 400 ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. દરેક કેન્દ્ર પર ઉમેદવારોના અસલ કોલ લેટરની ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે.
CCEની પ્રિલિમિનરી પરીક્ષામાં ઉમેદવારોએ બે કલાકમાં 150 માર્કનું પ્રશ્નપત્ર આપવાનું છે. ખોટા જવાબ દીઠ 0.25 માર્ક કટનો નિયમ પણ લાગુ છે. પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતી ભાષા, રિઝનિંગ અને ગણિતના પ્રશ્નો પૂછાશે. ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સામાન્ય વિજ્ઞાન અને કરંટ અફેર્સને આવરી લેતા પ્રશ્નો પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
પરીક્ષા આપવા આવેલા રાહુલ સોલંકીએ જણાવ્યું, "હું આ પરીક્ષા માટે ત્રણ વર્ષથી તૈયારી કરું છું. આશા છે કે આ વખતે પાસ થઈશ. મેં રિઝનિંગ, અંગ્રેજી અને ગુજરાતી પર સૌથી વધુ ભાર મૂક્યો છે. કમ્પ્યુટર વગર પરીક્ષા લેવામાં આવે ત્યારે પેપર લીક થવાનો ડર રહેતો હોય છે."
અન્ય એક યુવતીએ જણાવ્યું, "CCEની પ્રિલિમ પરીક્ષા માટે હું એક વર્ષથી તૈયારી કરું છું. આજે પરીક્ષા પાસ કરી લઈશ એવી આશા છે. જો ન પાસ થઈ તો બીજી સરકારી પરીક્ષાની તૈયારી કરીશ. મારું અંગ્રેજી સારું હોવાથી રિઝનિંગ પર વધારે મહેનત કરી છે. ટાઈમ મેનેજમેન્ટ સારું હોય તો પેપર સમયસર પૂરું થઈ શકે. આ વખતે નિયમ કડક છે એટલે પેપર લીક થવાનો ડર નથી. આશા છે કે સિલેબસમાંથી જ પ્રશ્નો પૂછાય, કારણ કે ઘણીવાર સિલેબસ બહારનું પૂછાતું હોવાથી જવાબ લખવામાં મુશ્કેલી થાય છે."