સત્ય. સાહસ. સંકલ્પ.

CBSE ધોરણ 10 અને 12ની 2027 બોર્ડ પરીક્ષાના સેમ્પલ પેપર જાહેર, માર્કિંગ સ્કીમમાં ફેરફાર નહીં

CBSE ધોરણ 10 અને 12ની 2027 બોર્ડ પરીક્ષાના સેમ્પલ પેપર જાહેર, માર્કિંગ સ્કીમમાં ફેરફાર નહીં

નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10 અને 12ની 2027ની બોર્ડ પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી છે. બોર્ડે બંને ધોરણોના વિષયવાર સેમ્પલ પ્રશ્નપત્રો ઓનલાઈન જાહેર કર્યા છે, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાની પેટર્ન સમજીને તૈયારી કરી શકે.

CBSEએ ધોરણ 10 માટે 61 વિષયોના અને ધોરણ 12 માટે 79 વિષયોના સેમ્પલ પેપર બહાર પાડ્યા છે. આ સેમ્પલ પેપર સાથે અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમ પણ જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી વિષયવાર સેમ્પલ પેપર ડાઉનલોડ કરી શકે છે. સેમ્પલ પેપરની લિંક સાથે જ અલગ લિંકમાં માર્કિંગ સ્કીમની માહિતી પણ ઉપલબ્ધ છે.

બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે 2027ની પરીક્ષા માટે અસેસમેન્ડ અને માર્કિંગ સ્કીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 2026ની બોર્ડ પરીક્ષામાં જે પદ્ધતિ હતી, તે જ પદ્ધતિ 2027માં પણ ચાલુ રહેશે. આનો અર્થ એ થાય છે કે પ્રશ્નોના પ્રકાર, માર્કિંગ વિભાજન અને મૂલ્યાંકનના ધોરણોમાં કોઈ નવો બદલાવ નથી.

સેમ્પલ પેપર વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. તેનાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં કઈ રીતે પ્રશ્નો પૂછાય છે તે સમજવા મળે છે. સાથે જ, સમયનું વ્યવસ્થાપન (ટાઇમ મેનેજમેન્ટ) કેવી રીતે કરવું તેની તાલીમ મળે છે. વિદ્યાર્થીઓએ સેમ્પલ પેપર જાતે લખીને અભ્યાસ કરવો જોઈએ, જેથી પરીક્ષા સમયે આત્મવિશ્વાસ વધે.

CBSE દર વર્ષે બોર્ડ પરીક્ષા પહેલાં સેમ્પલ પેપર જાહેર કરે છે. આ પેપર સત્તાવાર વેબસાઇટ cbseacademic.nic.in પર ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ પેપરનો ઉપયોગ તૈયારીના સાધન તરીકે કરી શકે છે.