સત્ય. સાહસ. સંકલ્પ.

પંજાબ CM ભગવંત માનની કેમ્પ ઑફિસ પર CBI દરોડા, OSDના ઘરે પણ રેડ

પંજાબ CM ભગવંત માનની કેમ્પ ઑફિસ પર CBI દરોડા, OSDના ઘરે પણ રેડ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ચંદીગઢ સ્થિત કેમ્પ ઑફિસ સહિત તેમના OSDના ઘર પર મંગળવારે 6 ઑક્ટોબરે CBIએ દરોડા પાડ્યા છે. ટ્રાન્સફર-પોસ્ટિંગમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી થઈ છે.

CBIની ટીમ ચંદીગઢના સેક્ટર-2 સ્થિત હાઉસ નંબર 50 પર તપાસ માટે પહોંચી છે. આ બંગલાને પંજાબ સીએમની કેમ્પ ઑફિસ-કમ-ગેસ્ટ હાઉસ કહેવાય છે. આ સાથે જ મુખ્યમંત્રીના OSD રાજબીર સિંહ ઘુમ્મનના પૂર્વજોના ગામ ઘરાચો સ્થિત ઘર પર પણ દરોડા પડ્યા છે.

સીબીઆઇના સૂત્રોના જણાવ્યા અનુસાર, એજન્સીએ ટ્રાન્સફર અને પોસ્ટિંગ સાથે જોડાયેલા કેસમાં ગુનો નોંધ્યો છે. કેસ નોંધાયા બાદ જ તપાસના ભાગરૂપે અલગ-અલગ ઠેકાણે દરોડા પાડવામાં આવી રહ્યા છે. હાઇકોર્ટ સમક્ષ મામલો પહોંચ્યા બાદ કોર્ટે સીબીઆઇને સ્વતંત્ર તપાસ માટે કેસ પોતાના હાથમાં લેવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટે એજન્સીને બે મહિનામાં પોતાનો રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે.

હાઇકોર્ટના આ આદેશ વિરૂદ્ધ પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે તેમ કરવાનો ઇન્કાર કરી દીધો, જે બાદ સીબીઆઇએ આ પગલાં લીધા છે.

સીબીઆઇના દરોડાને લઈને મુખ્યમંત્રી ભગવંત માને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કેન્દ્રની સત્તાધારી ભાજપ પર નિશાન સાધ્યું હતું. માને આરોપ લગાવ્યો કે, ભાજપે પંજાબમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, અને તેમની સરકાર તથા તેમને બદનામ કરવા માટે સીબીઆઇ અને ઈડીનો કથિત દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. માને કહ્યું કે, તેમની કેમ્પ ઑફિસમાં સીબીઆઇના દરોડા પાડવામાં આવ્યા છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, પંજાબની જનતા તરફથી મળી રહેલા સમર્થનને જોઈને ભાજપ ગભરાઈ ગઈ છે.