સત્ય. સાહસ. સંકલ્પ.

ડિજિટલ અરેસ્ટ કૌભાંડ: CBIનું મોટું ઓપરેશન, 20 રાજ્યોમાં 89 ઠેકાણે દરોડા

ડિજિટલ અરેસ્ટ કૌભાંડ: CBIનું મોટું ઓપરેશન, 20 રાજ્યોમાં 89 ઠેકાણે દરોડા

નવી દિલ્હી: ડિજિટલ અરેસ્ટના નામે લોકોને છેતરનારી ગેંગ સામે CBIએ મોટી કાર્યવાહી કરી છે. 'ઓપરેશન ચક્ર-VI' હેઠળ 20 રાજ્યોમાં 89 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

CBIના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં એક નાગરિક પાસેથી 19.24 કરોડ રૂપિયા, રાજસ્થાનના BITS પિલાનીમાં 7.67 કરોડ અને કર્ણાટકમાં 15.45 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આમ, કુલ 42 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે.

ગુજરાતનો કિસ્સો સૌથી ગંભીર છે. ત્યાં સાયબર ગઠિયાઓએ નકલી પોલીસ અધિકારી બનીને એક નિર્દોષ નાગરિકને ત્રણ મહિના સુધી વીડિયો કોલ પર 'ડિજિટલ અરેસ્ટ' રાખ્યો હતો અને તેની પાસેથી 19.24 કરોડ રૂપિયા વસૂલ્યા હતા.

BITS પિલાની સાથે સંકળાયેલા કેસમાં પણ પીડિતને ત્રણ મહિના સુધી નકલી પોલીસ બનીને 7.67 કરોડ રૂપિયા પડાવ્યા હતા. કર્ણાટકમાં પીડિતને એક મહિના સુધી ઓનલાઈન નજરકેદ રાખીને 15.45 કરોડ લૂંટાયા હતા.

CBIએ આ તમામ કેસમાં બેંક ખાતાની વિગતો, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ડેટા અને ડિજિટલ ડિવાઈસ જપ્ત કર્યા છે. ફોરેન્સિક તપાસ ચાલુ છે.

ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓમાં હરિયાણાનો આકાશ, કોલકાતાનો રાજા કરમાકર અને જ્યોતિ રાનીનો સમાવેશ થાય છે. આકાશના ખાતામાં 1.95 કરોડ જમા થયા હતા, જે તેણે તુરંત અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. કરમાકરની કંપનીના ખાતામાં 1.5 કરોડ ગયા હતા. જ્યોતિ રાનીએ રોકડ ઉપાડીને પુરાવા છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.