સત્ય. સાહસ. સંકલ્પ.

આવકવેરા બાકી હોય તો હવે ધરપકડ નહીં: CBDTનો નવો નિયમ 1 એપ્રિલથી લાગુ

આવકવેરા બાકી હોય તો હવે ધરપકડ નહીં: CBDTનો નવો નિયમ 1 એપ્રિલથી લાગુ

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ 17 સપ્ટેમ્બર 2026ના રોજ 'ઈનકમ-ટેક્સ (ચોથો સુધારો) નિયમો, 2026' જાહેર કર્યા છે. આ નિયમો હેઠળ 1 એપ્રિલ 2026થી કરચોરી કે કર બાકી (ડિફોલ્ટ)ના કિસ્સામાં કરદાતાની ધરપકડ કે અટકાયત કરવાની જોગવાઈ રદ થઈ જશે.

હવે આવકવેરા વિભાગ ટેક્સ વસૂલવા માટે માત્ર મિલકત જપ્ત કરીને વેચાણ કરી શકશે. વ્યક્તિગત ધરપકડ કરીને સિવિલ જેલમાં મોકલવાની સત્તા અધિકારીઓ પાસે રહેશે નહીં. આ ફેરફાર પહેલી એપ્રિલ 2026થી પૂર્વવર્તી અસરથી લાગુ થશે.

CBDTએ આવકવેરા નિયમોના નિયમ નંબર 225માં સુધારો કરીને ધરપકડ સંબંધિત જોગવાઈઓ દૂર કરી છે. કેન્દ્રીય બજેટ 2026-27માં ટેકનિકલ ભૂલો અને નાના ગુનાઓને ગુનાઈત દરજ્જામાંથી મુક્ત (ડિક્રિમિનાલાઈઝ) કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેના પગલે હિસાબી ચોપડાં રજૂ કરવામાં વિલંબ કે ટીડીએસ જમા કરાવવામાં ચૂક જેવા નાના ગુનાઓ માટે હવે જેલની સજા નહીં, પણ માત્ર નાણાકીય દંડ લાગુ થશે.

નવા નિયમ મુજબ, જો કોઈ કરદાતાનું અવસાન થાય અને તેની આવકવેરાની બાકી રકમ વસૂલવાની હોય, તો કાનૂની વારસદારો સામે કોઈ પણ પ્રકારની અટકાયત કે કડક કાર્યવાહી કરી શકાશે નહીં. વસૂલાતની પ્રક્રિયા ફક્ત મૃતક કરદાતાની મિલકતની હદ સુધી જ કાયદાકીય રીતે થશે.

નવા ઈનકમ-ટેક્સ એક્ટ 2025ના માળખા હેઠળ, હાલના વેલ્યુઅર્સ અને અધિકૃત આવકવેરા પ્રેક્ટિશનર્સને નોંધણી પૂર્ણ કરવા માટે 31 માર્ચ 2027 સુધી વધુ 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

વેલ્યુઅર્સ માટેના ફોર્મ 169માં અરજદારે શૈક્ષણિક લાયકાત, અનુભવ, મિલકતની વિગતો અને હિતોના સંઘર્ષ ન હોવાની માહિતી આપવી પડશે. જ્યારે આવકવેરા પ્રેક્ટિશનર્સ માટેના ફોર્મ 171માં વ્યવસાયિક ગેરવર્તણૂક, નાદારી કે છેતરપિંડીના ગુના અંગે સ્પષ્ટ જાહેરાત કરવી ફરજિયાત બનાવવામાં આવી છે.

જૂના નિયમો હેઠળ, નાણાકીય તકલીફ કે ટેકનિકલ કારણોસર ટીડીએસ સમયસર જમા ન કરી શકનાર કે હિસાબી ચોપડાં રજૂ કરવામાં વિલંબ કરનાર કરદાતા સામે અધિકારીઓ કડક કાર્યવાહી કરી શકતા હતા અને ધરપકડની પ્રક્રિયા પણ હાથ ધરી શકતા હતા. હવે આવી ભૂલો માટે વેપારીની ધરપકડ કે જેલની સજા થશે નહીં; માત્ર વ્યાજ કે નાણાકીય દંડ ભરીને મામલો પતાવી શકાશે.

આ નિર્ણયથી કરદાતાઓને મોટી રાહત મળશે, ખાસ કરીને જેમની સામે મોટી રકમની આવકવેરા બાકી છે પણ ધરપકડની ડર વગર કાયદેસર રીતે વસૂલાતનો સામનો કરી શકશે.