જો તમે આ દિવસોમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તે માટે લોન લેવાની છે, તો સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે કઈ બેંક કેટલા વ્યાજ દરે લોન આપી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) હાલમાં 9.10% વાર્ષિક વ્યાજ દરે કાર લોન આપે છે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનો વ્યાજ દર 7.90%થી શરૂ થાય છે.
લોનનો સમયગાળો લાંબો રાખવાથી દર મહિને EMI તો ઓછી થાય છે, પણ કુલ વ્યાજ વધુ ચૂકવવું પડે છે. સામાન્ય રીતે કાર લોન વધુમાં વધુ 8 વર્ષ માટે મળે છે. પરંતુ 7થી 8 વર્ષના લાંબા સમયગાળા માટે બેંકો વ્યાજ દર 0.50% સુધી વધારે લે છે. 3થી 4 વર્ષની ટૂંકી લોન પર વ્યાજ દર પ્રમાણમાં ઓછો હોય છે. તેથી શક્ય હોય તો ટૂંકા સમયગાળા માટે લોન લેવી જોઈએ.
લોનનો વ્યાજ દર તમારા ક્રેડિટ સ્કોર પર પણ આધાર રાખે છે. સારો ક્રેડિટ સ્કોર હોય તો લોન સહેલાઈથી અને ઓછા વ્યાજ દરે મળવાની શક્યતા વધે છે. ઉપરાંત, નિયમિત આવકનો સ્રોત ધરાવતા લોકોને બેંકો સામાન્ય રીતે ઓછા વ્યાજ દરે લોન આપે છે.
લોન લેતી વખતે આ ચાર બાબતોનું ધ્યાન રાખવું જોઈએ:
1. ઓછું ડાઉન પેમેન્ટ ટાળો: શરૂઆતમાં ઓછું ડાઉન પેમેન્ટ કરવું આકર્ષક લાગે છે, કારણ કે ખાતામાં વધુ રોકડ બચે છે. પણ ઓછા ડાઉન પેમેન્ટનો અર્થ છે મોટી લોન. લોનની રકમ જેટલી વધારે, તેટલું વધુ વ્યાજ ચૂકવવું પડે અને EMI પણ મોટી થાય.
2. પ્રી-ક્લોઝર પેનલ્ટી તપાસો: લોન લેતા પહેલાં જાણી લો કે બેંક પ્રી-ક્લોઝર પેનલ્ટી લે છે કે નહીં. પ્રી-ક્લોઝર એટલે નિર્ધારિત સમય પહેલાં લોનની રકમ ચૂકવી દેવી. દરેક બેંકની પેનલ્ટી સરખી હોતી નથી. એવી બેંક પસંદ કરો જે પેનલ્ટી લેતી ન હોય અથવા ખૂબ ઓછી લેતી હોય.
3. પ્રોસેસિંગ ફી તપાસો: લગભગ દરેક બેંક લોન અરજી પ્રોસેસ કરવા નિશ્ચિત રકમ લે છે. કેટલીક બેંકો અને એજન્સીઓ ઓછા વ્યાજ દરે લોન આપે છે, પણ પ્રોસેસિંગ ફી ઘણી વધારે વસૂલે છે. તેથી લોન લેતા પહેલાં બેંક પાસેથી પ્રોસેસિંગ ફીની રકમ જાણી લેવી જોઈએ.
4. સ્પેશિયલ ઓફર અને સ્કીમ: મોટાભાગની બેંકો તહેવારો દરમિયાન અથવા વર્ષના ચોક્કસ સમયગાળા દરમિયાન કાર લોન પર સ્પેશિયલ ઓફર આપે છે. આ ઓફરમાં પ્રોસેસિંગ ફી અને પ્રી-ક્લોઝર પેનલ્ટીમાં છૂટ, વાહન પર 100% ફંડિંગ, ઓછો કે 0% વ્યાજ દર, સ્પેશિયલ ગિફ્ટ વાઉચર વગેરે મળી શકે છે. સારી ક્રેડિટ પ્રોફાઇલ ધરાવતા લોકોને આવી ઓફરમાંથી શ્રેષ્ઠ સોદો મળી શકે છે.